
યાત્રાધામ પાવાગઢમાં પૂનમના પર્વને લઈને આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મંદિરનાં દ્વાર ખુલતાની સાથે જ મા મહાકાળીનાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તોની અવરજવરથી ધમધમતું જોવા મળ્યું હતું. માતાજીનાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને પરિવારની સુખાકારી, સમૃદ્ધિ તથા મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી.
પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે પાવાગઢમાં દર વર્ષની જેમ આ વખતે પણ ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. બે તિથિ ભેગી થવાના કારણે અનેક શ્રદ્ધાળુઓ પોતાની માન્યતા અને ધાર્મિક પરંપરા અનુસાર ગઈકાલે પણ મા મહાકાળીનાં દર્શન કરવા માટે પાવાગઢ પહોંચ્યા હતા. જ્યારે આજે પણ પૂનમ ભરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. પરિણામે સતત બે દિવસ સુધી યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.
વહેલી સવારથી જ દર્શન માટે આવતા ભક્તોના કારણે મંદિર પરિસરમાં સતત ચહલપહલ જોવા મળી હતી. દૂરદૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. પૂનમના પર્વને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.
યાત્રાધામ પાવાગઢમાં બે દિવસ દરમિયાન જોવા મળેલી ભક્તોની ભીડ ધાર્મિક આસ્થાનું પ્રતીક બની હતી. મંદિર પરિસર વારંવાર જય માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. સમગ્ર પાવાગઢમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. મા મહાકાળીનાં દર્શન અને પૂનમના પર્વની ઉજવણી માટે ઉમટેલા શ્રદ્ધાળુઓના કારણે પાવાગઢ ફરી એકવાર ભક્તિમય રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.