ખેરકા જૂથ ગ્રામ પંચાયતના તલાટીની ગેરહાજરીને લઈ ગ્રામજનોએ ટી.ડી.ઓ.ને આવેદન આપ્યું

 - Divya Bhaskar

કવાંટ તાલુકાની ખેરકા જૂથ ગ્રામ પંચાયતમાં તલાટી નિયમિત કચેરીમાં હાજર ન રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

ખેરકા જૂથ ગ્રામ પંચાયત હેઠળ ખેરકા, ડેરી, વીજળી અને રંગપુર જેવા ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના લોકોને આવક, જાતિ, રેશનકાર્ડના દાખલા અને સરકારી યોજનાઓના કામ માટે પંચાયત કચેરીએ આવવું પડે છે. તલાટીની ગેરહાજરીને કારણે ખેડૂતો, મજૂરો અને વિદ્યાર્થીઓને વારંવાર ચક્કર લગાવવા પડે છે. મજૂર વર્ગને મજૂરી છોડીને આવવું પડે છે, છતાં કામ ન થતું હોવાથી ગ્રામજનોમાં નારાજગી છે.

ગ્રામજનોએ કવાંટના તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી છે કે, તલાટી અઠવાડિયામાં કયા દિવસે અને કયા સમયે હાજર રહેશે તેની લેખિત જાણ કરવામાં આવે અને પંચાયતના નોટિસ બોર્ડ પર સમયપત્રક લગાવવામાં આવે. જો આગામી દિવસોમાં તલાટીની હાજરી નિયમિત નહીં થાય તો જીલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ ગ્રામજનોએ આપી છે.