
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહર્ષિ વાલ્મીકીજીનું પૂજન કરી દૂધ-પૌવાનો પ્રસાદ વિતરણ કરાયું.
ઝાલોદ નગરમાં શરદ પૂર્ણિમા અને આદિકવિ મહર્ષિ વાલ્મીકીજીના જન્મોત્સવ નિમિત્તે હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૫ ઓક્ટોબરના રોજ રાત્રે ૯ વાગ્યે ભરત ટાવર ખાતે મહર્ષિ વાલ્મીકીજીનું પૂજન-અર્ચન કરી ભક્તિભાવપૂર્વક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દૂધ-પૌવાના પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજેશભાઈ પરમારે મહર્ષિ વાલ્મીકીજીના જીવનચરિત્ર અને તેમના મહાન યોગદાન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મહર્ષિ વાલ્મીકીજી આદિકવિ તરીકે ઓળખાય છે અને તેમણે પવિત્ર રામાયણની રચના કરીને ભારતીય સંસ્કૃતિને અમૂલ્ય વારસો આપ્યો છે. તેમના વિચારો સત્ય, ધર્મ, જ્ઞાન, સદાચાર અને આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે.
સમાજમાં મહર્ષિ વાલ્મીકીજીનું સ્થાન અત્યંત આદરણીય છે. તેઓ સમગ્ર સમાજ માટે જ્ઞાન, આધ્યાત્મિકતા અને માનવતાના પ્રતીક છે. તેમનું જીવન સમાજને એકતા, સમાનતા, ભાઈચારો અને સામાજિક સમરસતાના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે.
આ ધાર્મિક પ્રસંગે મહર્ષિ વાલ્મીકીજીને શ્રદ્ધાપૂર્વક વંદન કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, ઝાલોદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.