ગોધરાની શુક્લ સોસાયટીમાં વહેલી સવારે તસ્કરોનો તરખાટ: બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ગોધરા શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલી જાણીતી શુક્લ સોસાયટીમાં મળસ્કે તસ્કરોએ ત્રાટકીને ચોરીની ઘટનાને અંજામ આપતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ નિશાચરો ફરી સક્રિય બન્યા છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખુલ્લી પડી છે.

મળતી માહિતી મુજબ, શુક્લ સોસાયટીમાં રહેતા મકાન માલિક વહેલી સવારે પોતાના ઘરને તાળું મારી નજીકના મંદિરે દર્શન કરવા ગયા હતા. પરિવાર દર્શન કરવા ગયો એટલી જ વારમાં તસ્કરોએ મોકો જોઈને મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી કિંમતી સોનાનો હાર તેમજ પૂજાની ચાંદીની પ્રતિમા સહિતના કિંમતી સામાનની ચોરી કરી ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર ચોરીની ઘટના સોસાયટી અને આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તસ્કરો ચોરી કરવા માટે સ્વિફ્ટ કાર લઈને આવ્યા હતા. કારમાંથી ઉતરીને તસ્કરોએ ક્ષણભરમાં હાથફેરો કર્યો અને આરામથી કારમાં બેસીને રફુચક્કર થઈ ગયા હતા.શિયાળાની શરૂઆત થતાં જ તસ્કરો બેફામ બન્યા છે. વહેલી સવારે ભરચક રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે જો પોલીસનું રાત્રિ કે વહેલી સવારનું પેટ્રોલિંગ સઘન હોય, તો તસ્કરો કાર લઈને ચોરી કરવાની હિંમત કઈ રીતે કરી શકે? સ્થાનિક લોકોએ નાઈટ પેટ્રોલિંગ વધારવાની અને CCTV ફૂટેજના આધારે સ્વિફ્ટ કાર સવાર તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરી છે.