
ટાઇગર શ્રોફની કાર પર ગોળીબારની ઘટનાના થોડા અઠવાડિયા પછી, મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા), ૧૯૯૯ ની કલમો હવે કેસમાં ઉમેરવામાં આવી છે. જાકે, અભિનેતા હુમલામાં સુરક્ષિત બચી ગયો. પોલીસે અગાઉ અપડેટ કર્યું હતું કે ટાઇગર શ્રોફ ગોળીબાર કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર થયો ત્યારે અભિનેતા રમતથી પરત ફરી રહ્યો હતો. આ ઘટનામાં તેનો ડ્રાઇવર ઘાયલ થયો હતો, અને ઘાયલોમાં એક ઓટો-રિક્ષા ડ્રાઇવર પણ શામેલ હોવાનું કહેવાય છે, જે હાલમાં સારવાર હેઠળ છે.
મુંબઈ પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ , ૧૯૯૯ લાગુ કરવામાં આવ્યો છે ડીસીબી સીઆઇડી સીઆર નં. ૧૪૩/૨૬. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ભારતીય દંડ સંહિતા ની કલમ ૧૦૯(૧), ૩(૫) અને આર્મ્સ એક્ટની કલમ ૩ અને ૨૫ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ૨૭ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ મકોકાની કલમ ૨૩(૧) હેઠળ સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી મેળવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ, તમામ આરોપીઓ સામે મકોકાની કલમ ૩(૧) ૩(૨), અને ૩(૪) પણ ઉમેરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ દરમિયાન, મહારાષ્ટ્રના મંત્રી પ્રતાપ સરનાઇકે જણાવ્યું હતું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, બાઇક ટેક્સી સંબંધિત નિયમો વધુ કડક કરવામાં આવશે. આરોપી અગાઉ રેપિડો ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. જાકે, ગોળીબાર સમયે તે રેપિડો ડ્રાઇવર નહોતો. મંત્રીએ જણાવ્યું હતું કે રેપિડોના જણાવ્યા મુજબ, તે અગાઉ કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો, પરંતુ ઘટના સમયે કર્મચારી નહોતો. કંપનીએ આ સંદર્ભમાં એક પત્ર પણ સુપરત કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે અમારી ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં, અમે બાઇક ટેક્સી સંબંધિત નિયમોને વધુ કડક બનાવવા અંગે ચર્ચા કરી હતી. ટ્રાન્સપોર્ટ લાઇસન્સની વાર્ષિક ચકાસણી ફરજિયાત કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.”
પોલીસે જણાવ્યું હતું કે ૧૮ ઓક્ટોબરની સાંજે, મુંબઈના જુહુ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેના ડ્રાઇવર અને બે અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના પશ્ચિમ ઉપનગરના જુહુ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા પુષ્પા પાર્ક નજીક બની હતી. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓ એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગોળીબાર પહેલા શું બન્યું હતું. ટાઇગર શ્રોફ સુરક્ષિત છે અને આ ઘટનામાં તેને ગોળી વાગી નથી. અધિકારીએ પુનરોચ્ચાર કર્યો કે, “ટાઇગર શ્રોફ સુરક્ષિત છે અને ગોળીબારની ઘટનામાં તેને કોઈ ઈજા થઈ નથી.”