અમદાવાદ એસપી રિંગ રોડ પર સ્પીડનો કહેર,હિટ એન્ડ રનના બે બનાવમાં બે યુવકોનો ગયો જીવ

અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત ૨૨ ઓક્ટોબરની રાત્રે રિંગ રોડ પર બનેલી બે જુદી-જુદી હિટ એન્ડ રનની ઘટનાઓમાં બે યુવકોએ જીવ ગુમાવ્યા છે. નિકોલમાં ૨૬ વર્ષીય પરપ્રાંતીય શ્રમિકને અજાણ્યા વાહનચાલકે કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જતા બાઇક તથા રિક્ષાને પૂરઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઘવાયેલા ૩૯ વર્ષીય બાઇક ચાલકનું સારવાર દરમિયાન હોસ્પટલમાં મોત નીપજ્યું હતું. બંને ઘટનાઓમાં સંબંધિત ટ્રાફિક પોલીસ મથકોમાં અકસ્માત કરનાર વાહનચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના મદરાની ગામના વતની કલસિંગ ગલાલ કટારા (ઉં.વ. ૫૪) ખેતીકામ કરે છે. તેમનો ૨૬ વર્ષીય દીકરો નાહટીયા કટારા અમદાવાદમાં કડિયાકામ કરતો હતો. નાહટીયાના લગ્ન બબલુ સાથે થયા હતા અને તેને સંતાનમાં ત્રણ દીકરા તથા એક દીકરી છે. ૨૨ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે ૧૦ઃ૦૦ વાગ્યાની આસપાસ નાહટીયા નિકોલ એસ.પી. રિંગ રોડ પર સર્વિસ રોડ પર ચાલીને જઈ રહ્યો હતો. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે ગફલતભરી રીતે ચલાવી નાહટીયાને અડફેટે લીધો હતો. જે બાદ વાહનનું ટાયર તેના પેટ અને કમરના ભાગે ફરી વળ્યું હતું, જેથી ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પરિવારે વતન જઈ અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ આ મામલે ‘આઈ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ ચાંદખેડા ન્યૂ સી.જી. રોડ પર દેવનંદન સ્કાયમાં રહેતા પ્રણવ મિ†ી રફતારની કહેરનો ભોગ બન્યા છે. ૨૨ ઓક્ટોબરના રોજ રાત્રે આશરે ૮ઃ૩૦ વાગ્યાની આસપાસ પ્રણવ મોટરસાઇકલ લઈને એસ.પી. રિંગ રોડ પર વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલ તરફ જઈ રહ્યા હતા. ત્રાગડ અંડરપાસ પહેલાં જાહેર રોડ પર એક ફોરવ્હીલ કાર ચાલકે ઓવરસ્પીડમાં ગાડી ચલાવી પ્રણવની બાઇક તેમજ એક ઓટો રિક્ષાને જારદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં મોઢા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રણવને પ્રથમ સોલા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ કારચાલક ગાડી લઈને ઝુંડાલ તરફ નાસી છૂટ્યો હતો. આ મામલે ‘એલ’ ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.