અવમાનના કેસઃ સંજય રાઉત સીજેઆઇ પર કરેલી ટિપ્પણીઓ માટે મુશ્કેલીમાં, રૂબરૂ હાજર થવાનો આદેશ

સુપ્રીમ કોર્ટે શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતને રૂબરૂ હાજર રહેવા અને પત્રકાર નિખિલ વાગલેને ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયતંત્ર પરની ટિપ્પણીઓ સંબંધિત અવમાનના કેસમાં વર્ચ્યુઅલી હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બંને ૧૭ નવેમ્બરે બપોરે ૨ વાગ્યે હાજર રહેશે.જસ્ટિસ અરવિંદ કુમાર અને વિપુલ એમ. પંચોલીની બેન્ચે બુધવારે આ આદેશ જારી કર્યો હતો. આ કેસ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી ફોજદારી અવમાનના અરજી સાથે સંબંધિત છે.સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા દાખલ કરાયેલ અવમાનના અરજી પર બંને સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્ટે હવે ૧૭ નવેમ્બરે સુનાવણી દરમિયાન બંને પક્ષોને હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. સંજય રાઉતે રૂબરૂ હાજર રહેવું પડશે, જ્યારે નિખિલ વાગલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાડાશે.

એટર્ની જનરલ આર. વેંકટરામણી પાસેથી લેખિત સંમતિ મેળવ્યા બાદ એસસીબીએએ અરજી દાખલ કરી. એટર્ની જનરલે બે અરજદારોની ટિપ્પણીઓને પ્રથમ દૃષ્ટિએ અપમાનજનક અને વાંધાજનક ગણાવી. સુનાવણી દરમિયાન એસસીબીએ વતી વરિષ્ઠ વકીલો પ્રદીપ રાય અને રાહુલ કૌશિક, વકીલો પ્રજ્ઞા બઘેલ અને મીનેશ દુબે હાજર થયા. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્‌સ ભારતની સુપ્રીમ કોર્ટ પ્રત્યે આદરનો અભાવ દર્શાવે છે.

૧૬ ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સંજય રાઉત અને નિખિલ વાગલેને કારણદર્શક નોટિસ જારી કરી. તે સમયે, કોર્ટે બંનેને આગામી સુનાવણીમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી. બેન્ચે જણાવ્યું હતું કે પહેલા તેમના જવાબો પર વિચાર કરવામાં આવશે.