પીએમ મોદી આજે બનાસ ડેરીના ૪૦૭.૫૬ કરોડના ત્રણ પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ, એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ગુજરાત રાજ્યની બે દિવસીય મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ ૩૦ ઓક્ટોબરના રોજ બનાસકાંઠાના ભીલડીથી ૪૦૭.૫૬ કરોડના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્‌સમાં, ૩૨૪.૭૭ કરોડના ખર્ચે ભીલડીમાં નિર્મિત ભારત બોવાઇન બ્રીડીંગ એન્ડ રિસર્ચ સેન્ટર, ૫૧.૬૫ કરોડના ખર્ચે વાવ-થરાદ જિલ્લાના સણાદર ખાતે નિર્મિત ફ્રેન્ચ ફ્રાઈસ પ્રોસેસિંગ પ્લાન્ટ (ઇ-લોકાર્પણ) અને ૩૧.૧૪ કરોડના ખર્ચે પાલનપુરમાં હાઈ-સ્પીડ, સંપૂર્ણ સ્વયંસંચાલિત અને ટ્રેસેબલ વેરહાઉસિંગ લોજિસ્ટીક્સ દ્વારા યુએચટી દૂધનું કાર્યક્ષમ સંચાલન કરતી ‘આટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ’ (ઇ-લોકાર્પણ)નો સમાવેશ થાય છે. વધુમાં, તેઓ થરાદ અને રાધનપુર સ્થિત બનાસ ડેરીના બે નવા બાયો-સીએનજી પ્લાન્ટ્‌સનું ઇ-ખાતમુહૂર્ત પણ કરશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, ઋષિકેશ પટેલ અને કમલેશભાઈ પટેલ, તેમજ રાજ્યકક્ષાના પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર સહિત સંસદસભ્યો, ધારાસભ્યો તેમજ સરકારના અધિકારીઓ-પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ડેરી સહકારી ક્ષેત્રમાંથી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન ડા. મીનેશ શાહ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાતના સાથી દૂધ સંઘોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, તથા બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકો પણ ભાગ લેશે.

બનાસ ડેરીએ બનાસકાંઠાના ભીલડી ખાતે ૧૨૭ એકર વિસ્તારમાં ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું નિર્માણ કર્યું છે, જે પશુ સંવર્ધન માટેનું સેન્ટર આૅફ એક્સલન્સ છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ આ સેન્ટર માટે ?૩૮.૮૩ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં દાતા પશુઓ (ડોનર એનિમલ્સ) ૨ કરોડનો સમાવેશ થાય છે. આ સેન્ટરને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા તકનીકી સહયોગ આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ ભારત સરકારની એનિમલ હસબન્ડ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે અને નાબાર્ડ દ્વારા તેને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આનુવંશિક શ્રેષ્ઠતા અને નવીનતાના માધ્યમથી ભારતમાં પશુ સંવર્ધન ક્ષેત્રે પરિવર્તન લાવવાનો છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બનાસ ડેરીએ આટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ તરીકે ઓળખાતી આધુનિક સંગ્રહ પ્રણાલીનું નિર્માણ કર્યું છે યુએચટી ઉત્પાદનોને સંગ્રહિત કરવા અને મોકલવા માટે આ એક સંપૂર્ણપણે સ્વચાલિત વ્યવસ્થા છે. દૂધના ઉત્પાદનોને અહીં રાખવા માટે ૯ માળ સુધી સ્ટીલ રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ૧૧ હજાર પેલેટ સંગ્રહ કરવાની ક્ષમતા છે. આ સુવિધાને બનાસ ડેરી દ્વારા ઇન-હાઉસ વિકસિત કરવામાં આવી છે, જેનાથી ખર્ચની બચત થઈ છે અને વધારાની આવક ડેરી સાથે સંકળાયેલા ૪.૧૮ લાખ દૂધ ઉત્પાદકોને મળે છે. અન્ય ડેરી ઉત્પાદનોના સંગ્રહ માટે પણ આ મોડેલનો ઉપયોગ કરી શકાય છે.

બનાસ ડેરીએ વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકામાં સ્થિત સણાદર ખાતે ૫૧.૬૫ કરોડના ખર્ચે ફ્રેન્ચ ફ્રાઇસ પ્રોસેસિંગ પ્લાન્ટ વિકસિત કર્યો છે. સણાદર પ્લાન્ટ ખાતે ફ્રેન્ચ ફ્રાઇઝની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક ૨ ટનથી વધારીને ૫ ટન કરવાની કામગીરી એપ્રિલ ૨૦૨૬માં શરૂ કરવામાં આવી હતી. આજે બનાસ ડેરીએ એક એવી સંપૂર્ણ સંકલિત ઉત્પાદન શ્રૃંખલા ઊભી કરી છે, જેમાં ટેસ્ટ ટ્યુબમાં તૈયાર થતા નાના છોડથી લઈને ખેતરમાં ઉગાડવામાં આવતા બિયારણ, કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત બટાકા અને અંતે ગ્રાહકની થાળી સુધી પહોંચતા ફ્રેન્ચ ફ્રાઇઝનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં હાલમાં આવી સંપૂર્ણ સંકલિત વ્યવસ્થા અન્ય કોઈ સહકારી સંસ્થા કે એજન્સી પાસે ઉપલબ્ધ નથી. બનાસ ડેરીના ઉપર્યુક્ત ત્રણેય મહત્વના પ્રોજેક્ટ્‌સમાંથી બીબીબીઆરસીનું લોકાર્પણ તેમજ આૅટોમેટેડ સ્ટોરેજ એન્ડ રીટ્રાઇવલ સિસ્ટમ અને ફ્રેન્ચ ફ્રાઇસ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ વડાપ્રધાનશ્રી દ્વારા આગામી ૩૦ ઓક્ટોબરે કરવામાં આવશે.