ગુજરાતમાં વીજળીની માગમાં ૩૭ ટકાનો ઊછાળોઃ ખેતીમાં વપરાશ ૭૨ ટકા વધ્યો

નબળા ચોમાસાની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં ખેતી ક્ષેત્રે વીજળીના વપરાશમાં ૭૨ ટકાનો જંગી વધારો નોંધાયો છે. રાજ્યમાં વીજળીની મહત્તમ માગ પણ ૩૭ ટકા વધીને ૨૯,૮૨૨ મેગા વોટ સુધી પહોંચી હતી. ખેતીમાં સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધતી નિર્ભરતા અને ઔદ્યોગિક વીજ વપરાશમાં થયેલો વધારો આ સ્થિતિ પાછળનાં મુખ્ય કારણો હોવાનું સામે આવ્યું છે. ખેતી ક્ષેત્રે વીજળીનો વપરાશ ગયા વર્ષના ૧૪૬૪ મિલિયન યુનિટથી વધીને ૨૫૨૧ મિલિયન યુનિટ થયો છે. અપૂરતા વરસાદને કારણે ખેડૂતોને સિંચાઈ માટે બોરવેલ અને ટ્યૂબવેલ પર વધુ આધાર રાખવો પડી રહ્યો છે. પરિણામે સિંચાઈ પંપ અને ટ્યૂબવેલ વધુ કલાકો સુધી ચલાવવાની ફરજ પડી રહી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના પ્રમુખ રાજેશ ગાંધીએ વીજ વપરાશમાં થયેલા વધારા માટે ઊંચા તાપમાન, ઠંડકની વધતી જરૂરિયાત, સિંચાઈની માગ અને તહેવારોની મોસમ પહેલાં ઔદ્યોગિક પ્રવૃત્તિમાં થયેલા વધારાને જવાબદાર ગણાવ્યાં છે. તેમણે જણાવ્યું કે હાઇડ્રોપાવરનાં ઉત્પાદનમાં ઘટાડાથી પણ વીજપુરવઠા પર દબાણ વધ્યું છે.

ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ વીજળીના વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષના ૪,૭૪૩ મિલિયન યુનિટની સરખામણીએ આ વર્ષે વપરાશ વધીને ૬,૦૧૯ મિલિયન યુનિટ થયો છે. આમ, ઔદ્યોગિક વીજ વપરાશમાં ૨૭ ટકાનો વધારો નોંધાયો છે. ઉત્પાદન એકમો અને ઔદ્યોગિક ક્લસ્ટરોમાં વીજળીની સતત વધતી માગને કારણે રાજ્યની વીજવ્યવસ્થા પર દબાણ વધ્યું છે.

રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે વીજળીની મહત્તમ માગ આશરે ૩૦,૦૦૦ મેગાવોટ સુધી પહોંચવાનો અંદાજ હતો. ખેતીમાં સિંચાઈ પંપનો વધતો ઉપયોગ અને ઉદ્યોગોમાં વીજળીની વધતી માગ તેનાં મુખ્ય કારણો છે. વીજળીનો પુરવઠો સ્થિર જળવાઈ રહે તે માટે ઉત્પાદનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઇંધણ અને ટ્રાન્સમિશન વ્યવસ્થાની સજ્જતા સુનિશ્ચિત કરવામાં આવી હતી.

જીસીસીઆઈની કૃષિ સમિતિના અધ્યક્ષ ગોપાલ સુતરિયાએ જણાવ્યું કે ઓછા વરસાદને કારણે ખેડૂતોને ટ્યૂબવેલ અને પંપ લાંબા સમય સુધી ચલાવવા પડે છે. ડ્રાયર્સ, હલર્સ અને અન્ય કૃષિ સાધનોના વધતા ઉપયોગથી પણ વીજ વપરાશમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું હકે નાના ખેડૂતો પણ હવે વર્ષમાં બે-ત્રણ પાક લેવાના હેતુથી બોરવેલમાં રોકાણ કરી રહ્યા છે. તેના કારણે વીજળીની માગ સતત વધી રહી છે.

રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે ખેતી, ઘર વપરાશ અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા ગુજરાતને ભરોસાપાત્ર અને પરવડે તેવી વીજળીની જરૂર છે. વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન ક્ષમતામાં વધારો, વીજ સંગ્રહની સુવિધાઓ, પુનઃપ્રાપ્ય ઊર્જાનું વધુ સારું સંકલન અને પીક ડિમાન્ડનું અસરકારક સંચાલન સમયની માગ છે.