
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં ફટાકડાના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણ સામે પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં અગાઉ ફટાકડા ઉત્પાદન માટે આપવામાં આવેલા તમામ ૬ પરવાના રદ અને મોકૂફ કરી દેવામાં આવ્યા છે, જેથી હાલ અમદાવાદ શહેરમાં એકપણ કાયમી ફટાકડા ઉત્પાદન એકમ કાર્યરત નથી.
આ ઉપરાંત, કાયમી ધોરણે ફટાકડા વેચાણ કરતા ૧૪૫ દુકાનદારો પૈકી નિયમોનું ઉલ્લંઘન કરનારા ૯ એકમોના લાયસન્સ રદ કરી ૭ મોકૂફ કરાયા છે, જ્યારે બાંધકામના નિયમો ન જાળવનારા ૧૭ વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તહેવારો દરમિયાન હંગામી ધોરણે સ્ટોલ કે વેચાણ માટે અત્યાર સુધીમાં મળેલી ૯૬ અરજીઓ પૈકી યોગ્ય અભિપ્રાય ધરાવતી ૧૪ અરજીઓને તાકીદે મંજૂરી આપવામાં આવી છે.
શહેરમાં ફટાકડાના ઉત્પાદન અને વેચાણ માટે કાયમી તેમજ હંગામી ધોરણે અલગ-અલગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવતા હોય છે. શહેરમાં ફટાકડા ઉત્પાદન માટે અગાઉ ૬ પરવાના હતા, જે તમામ રામોલ વિસ્તારમાં આવેલા એકમો હતા. તાજેતરમાં બનેલી ઘટના બાદ આ ૬ પૈકી ૪ એકમોના લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દેવાયા છે અને ૨ એકમોના પરવાના મોકૂફ કરાયા છે. પરિણામે, હવે અમદાવાદ શહેરમાં ફટાકડા બનાવવાની એક પણ મંજૂરી અસ્તિત્વમાં નથી.
વેચાણ પરવાના અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, શહેરમાં કુલ ૧૪૫ કાયમી વેચાણ પરવાનામાંથી ૧૦૫ લાયસન્સ રિન્યૂ કરાયા છે, જ્યારે ૯ લાયસન્સ રદ અને ૭ મોકૂફ રખાયા છે. બાકી રહેલા ૨૪ પૈકી ફાયર બ્રિગેડ સહિતની વિવિધ એજન્સીઓના અભિપ્રાય હેઠળ ૭ પરવાનાની પ્રક્રિયા ચાલુ છે, જ્યારે નિયમ અનુસારનું બાંધકામ ન હોવાનું સામે આવતાં ૧૭ દુકાનદારોને લાયસન્સ રદ કરવા અંગેની નોટિસ આપવામાં આવી છે.
હંગામી લાયસન્સ બાબતે પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, ૩૦ દિવસની મુદત માટે અપાતા હંગામી લાયસન્સ માટે અત્યાર સુધીમાં ૯૬ અરજીઓ આવી છે, જેમાંથી સંબંધિત પોલીસ મથકોના હકારાત્મક અભિપ્રાય આવતાં ૧૪ લાયસન્સ મંજૂર કરાયા છે. બાકીની અરજીઓ તેમજ મંગળવારે આવેલી નવી ૩ અરજીઓ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનનો રિપોર્ટ આવ્યા બાદ ત્વરિત નિર્ણય લેવાશે. ફટાકડાના વેચાણ દરમિયાન બે દુકાનો વચ્ચે ઓછામાં ઓછું ૧૫ મીટરનું અંતર જાળવવું ફરજિયાત છે. તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને તેમના વિસ્તારમાં લાયસન્સ વિના ગેરકાયદે ફટાકડાનું વેચાણ ન થાય તે માટે દુકાનોનું સતત અને આકસ્મિક ચેકિંગ કરવા કડક આદેશો અપાયા છે.