
સૌરાષ્ભટ્રરમાં ભારે ચકચાર જગાવનારા રાજકોટના બહુચર્ચિત અમિત ખૂટ કેસમાં ગોંડલ પંથકના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. આ જામીન આદેશને રદ કરાવવા માટે મૂળ ફરિયાદ પક્ષ દ્વારા સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષોના વકીલોની વિસ્તૃત દલીલો સાંભળ્યા બાદ ન્યાયાલયે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફરિયાદ પક્ષની જામીન રદ કરવાની અરજીને ફગાવી દીધી છે અને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનનો આદેશ સંપૂર્ણપણે યથાવત રાખ્યો છે, જેના કારણે કાનૂની લડાઈમાં અનિરુદ્ધસિંહ જાડેજાને રાહત મળી છે.
રીબડા જૂથ અને ગોંડલ પંથકના રાજકારણ સાથે જાડાયેલા આ સંવેદનશીલ કેસ પર સમગ્ર સૌરાષ્ટÙની નજર હતી. સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના આદેશ પર મહોર મારતા અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના સમર્થકોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે બીજી બાજુ ફરિયાદ પક્ષને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં મે, ૨૦૨૫ દરમિયાન અમિત ખૂંટ નામના યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકના ખિસ્સામાંથી ચાર સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે તેમના ભાઈ મનીષ ખૂંટે રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને બે વકીલો સહિતના આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, ગામમાં સસ્તા ભાવે જમીન હડપ કરવાના મુદ્દે ગત વિધાનસભા ચૂંટણી વખતે આરોપીઓ અને અમિત ખૂંટ વચ્ચે વિવાદ થયો હતો, જેમાં હુમલો થતાં અમિતે કેસ પણ કર્યો હતો. આ જ અદાવતમાં આરોપીઓએ ષડયંત્ર રચી સગીરા મારફતે અમિત પર દુષ્કર્મનો ખોટો કેસ ઊભો કર્યો હતો. આ માનસિક ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને અમિત ખૂંટે આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ છે, જેની તપાસમાં પોલીસે બંને વકીલો સહિતના આરોપીઓની અટકાયત કરી હતી.