ભારતે ત્રીજી ટી ૨૦માં ન્યુઝીલેન્ડને કચડી નાખ્યું, ૮૦ બોલમાં ૧૯૯ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો

ભારતે વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી ટી ૨૦માં ન્યુઝીલેન્ડને છ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, ટીમ ઇન્ડિયાએ શ્રેણીમાં ૩-૦ થી અજેય લીડ મેળવી લીધી છે. અહીંથી, ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપ પર નજર રાખશે. આ મેચમાં, ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૯૮ રન બનાવ્યા. અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગને કારણે ભારતે ૧૩.૨ ઓવરમાં (૮૦ બોલ) ૧૯૯ રનનો લક્ષ્યાંક સરળતાથી મેળવી લીધો.

ન્યૂઝીલેન્ડની બેટિંગની વાત કરીએ તો, ટીમની પહેલી વિકેટ બીજી ઓવરમાં પડી ગઈ જ્યારે ટિમ સીફર્ટને અર્શદીપ સિંહે માત્ર ૨ રન બનાવીને આઉટ કર્યો. ત્યારબાદ ફિન એલન અને ડેરિલ મિશેલે સાવધાનીપૂર્વક રમીને બીજી વિકેટ માટે ૮૬ રન ઉમેર્યા. એલનને નીતિશ રેડ્ડીએ ૪૦ રન બનાવીને આઉટ કર્યો. પોતાની ૧૦૦મી ટી ૨૦ મેચ રમી રહેલા ગ્લેન ફિલિપ્સને પણ અક્ષર પટેલે ૧૭ રન બનાવીને આઉટ કર્યા. નિર્ણાયક સમય દરમિયાન બેવન જેકબ્સ મિશેલની મદદે આવ્યા અને સાથે મળીને તેમણે ચોથી વિકેટ માટે ૭૫ રનની શાનદાર અને અણનમ ભાગીદારી નોંધાવી. ડેરિલ મિશેલે શાનદાર ઇનિંગ્સ રમી, અણનમ ૮૯ રન બનાવ્યા, જ્યારે જેકબ્સે પણ અણનમ ૩૯ રન બનાવીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ન્યુઝીલેન્ડના ૧૯૮ રનના જવાબમાં, ભારતે શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી. ઇનિંગ્સની શરૂઆત કરતા, યુવા વૈભવ સૂર્યવંશીએ આક્રમક રમત રમી, માત્ર ૧૯ બોલમાં ૪૫ રન બનાવ્યા. તેણે ૪ ચોગ્ગા અને એટલા જ છગ્ગા ફટકાર્યા. તેની સાથે, અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો. તેણે માત્ર ૩૮ બોલમાં ૧૧૩ રનની શાનદાર સદી ફટકારી, જેમાં ૯ ચોગ્ગા અને ૧૧ છગ્ગાનો સમાવેશ થાય છે. અભિષેક અને વૈભવે પ્રથમ ૬ ઓવરમાં ૧૧૮ રનની ભાગીદારી કરી. પછી ક્રીઝ પર આવેલા સંજુ સેમસન ૧૮ રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર ૫ રન બનાવીને આઉટ થયો. આ શાનદાર અને વિસ્ફોટક ઇનિંગ્સના આધારે, ભારતીય ટીમે ફક્ત ૧૩.૨ ઓવરમાં આ મોટું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કર્યું અને મેચ જીતી લીધી.