કાલોલ તાલુકાના મધવાસ ગામે પોલીસની પરવાનગી કે વેરિફિકેશન કરાવ્યા વિના પરપ્રાંતિય ઇસમને મકાન ભાડે આપવા બદલ એક મકાનમાલિક વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, પંચમહાલ એસ.ઓ.જી. (SOG) શાખાના અનામત હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ પરસોત્તમભાઈ અને તેમની ટીમ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે મધવાસ ચોકડી, શંકરપુરા ફળિયા ખાતે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ત્યાં રહેતા આકાશ દિનેશભાઈ તિવારી (મૂળ નિવાસી: જહરા, તા.જી. મૌગંજ, મધ્યપ્રદેશ) ની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે છેલ્લા છ મહિનાથી આ મકાનમાં ₹૪,૦૦૦/– ના માસિક ભાડાથી રહે છે. મકાનમાલિક છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર (રહે. મધવાસ ચોકડી, શંકરપુરા ફળિયા, તા. કાલોલ) દ્વારા ભાડૂઆતનું કોઈ ઓળખકાર્ડ (આધારકાર્ડ કે આઈડી પ્રૂફ) લેવામાં આવ્યું નહોતું, તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ નોંધણી કે વેરિફિકેશન કરાવવામાં આવ્યું નહોતું.મકાનમાલિકે જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ, ગોધરાના જાહેરનામા ) નો સ્પષ્ટ ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આથી એસ.ઓ.જી. શાખાના કર્મચારીની ફરિયાદના આધારે આરોપી છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ ૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે.