R-15 બાઇક ચાલકે પૂરઝડપે ટક્કર મારતાં મહિલા ઘાયલ, સારવારનો ખર્ચ ન આપતાં પોલીસ ફરિયાદ નોંધાવી.
ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે નાળા પાટિયા પાસે પાછળથી આવતી R-15 મોટરસાઇકલના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી આગળ જતી મોટરસાઇકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોટરસાઇકલ પાછળ બેઠેલાં કમલાબેનને ડાબા પગે ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કમલાબેન તેમના કુટુંબી જમાઈ ભાવિનભાઈ રમણભાઈ પરમાર સાથે લીમડી ગામેથી મોટરસાઇકલ પર ઘરે પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન સાંજના આશરે છ વાગ્યાના અરસામાં કાળી મહુડી ગામે નાળા પાટિયા પાસે પાછળથી આવતી R-15 મોટરસાઇકલના ચાલકે તેમની મોટરસાઇકલને પાછળથી ટક્કર મારતાં બંને નીચે પડી ગયાં હતાં.
અકસ્માત બાદ કમલાબેનને પ્રથમ લીમડીની સાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ દાહોદની સૈફી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં. તપાસ દરમિયાન ડાબા પગમાં ફ્રેક્ચર હોવાનું જણાતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ફરિયાદી પક્ષના જણાવ્યા મુજબ, અકસ્માત બાદ વાહનચાલકે સારવારનો ખર્ચ આપવાની વાત કરી હોવાથી શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. જોકે, વારંવાર સારવારનો ખર્ચ માગવા છતાં ખર્ચ ન ચૂકવતાં આખરે રાહુલભાઈ વિનુભાઈ ભૂરિયા, રહે. ખરોડ વાણિયાવાવ, તા.જી. દાહોદ વિદ્ધ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદમાં અકસ્માત માટે મોટરસાઇકલ નંબર GJ-20-BG-5416 ના ચાલકને જવાબદાર ગણાવી કાયદેસરની તપાસ કરવાની માગ કરવામાં આવી છે.