ગાયની દેશી સારવાર માટે આવેલા પર્વતભાઈને એક્ટિવા પર બેસાડી મૂકવા જતાં અકસ્માત; એકને ગુપ્ત ભાગે ગંભીર ઈજા, અન્યના બંને હાથમાં ફ્રેક્ચર.
દાહોદ જીલ્લાના ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના બિલવાણી ગામે તા. ૨૨ ઓક્ટોબરના રોજ સવારે આશરે ૧૦:૩૦ વાગ્યે એક્ટિવા અને હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફરિયાદ મુજબ, ગોલાણા ગામના અજયભાઈ પ્રકાશભાઈ મેડાએ મોટરસાઇકલ પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારતાં એક્ટિવાને ટક્કર મારી હતી.
બિલવાણી ગામનાં સુરતીબેન ભૂરિયાની બીમાર ગાયની દેશી સારવાર માટે સુથારવાસા ગામના પર્વતભાઈ તેજાભાઈ બારિયા ઘરે આવ્યા હતા. સારવાર બાદ સુરતીબેનના પુત્ર કેશેશીકભાઈ ભૂરિયા એક્ટિવા પર પર્વતભાઈને બેસાડી તેમના ઘરે મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતને પગલે કૌશીકભાઈને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થતાં દાહોદની પૂજન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે પર્વતભાઈને ચહેરા પર ઈજા તેમજ ડાબા હાથ અને જમણા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર થતાં સમીર ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોટરસાઇકલચાલક અજયભાઈને પણ ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે સુરતીબેને અજયભાઈ સામે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી હતી. બનાવ અંગે પોલીસ તપાસમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.