ઝાલોદ તાલુકાની ૧૯ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થતાં ચૂંટણીની તૈયારીઓ શરૂ

અનિવાર્ય સંજોગોમાં ખાલી પડેલી બેઠકો સહિત કુલ ૨૪ બેઠકો માટે ચૂંટણી યોજવાની દિશામાં કાર્યવાહી; નવેમ્બર કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા.

ઝાલોદ તાલુકામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તાલુકાની મુદત પૂર્ણ થતી ૧૯ ગ્રામ પંચાયતો તેમજ અનિવાર્ય સંજોગોને કારણે ખાલી પડેલી બેઠકોની ચૂંટણી માટે મતદારયાદી તૈયાર કરવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવાર, તા. ૨૩ ઓક્ટોબરના રોજ ઝાલોદ મામલતદાર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

મામલતદાર શૈલેન્દ્ર પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ), તાલુકા પંચાયતના સંબંધિત અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી અને મતદારયાદી તૈયાર કરવા માટે નમૂના-૨ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

૧૯ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ, ખાલી બેઠકોની ચૂંટણી પણ યોજાશે

પ્રાપ્ત વિગતો અનુસાર, ઝાલોદ તાલુકાની બાજરવાડા, ખરસાણા, શંકરપુરા, રામપુરા, બંબેલા, ખેડા, છાંસિયા, ઘેંસવા, સાંપોઈ, નાનસલાઈ, ફૂલપુરા મુખ્ય, ફૂલપુરા તળ, ફૂલપુરા ડાબોડિયા, મહુડી, હડમપખૂંટા, ચિત્રોડિયા, જાફરપુરા, મુણખોસલા અને રાયપુરા સહિતની ૧૯ ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ખેડા-કદવાલ, કોક્સા કેસર, ગરાડુ ખોરિયા, ગરાડુ કજેલી-૨, ફૂલપુરા મુખ્ય અને રૂડી ખાતે અનિવાર્ય સંજોગોને કારણે ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પણ યોજવાની છે.

નવેમ્બર કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા : ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પ્રાથમિક તૈયારીઓ શ‚ થઈ છે અને હાલ મતદારયાદી સંબંધિત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે તેવી શક્યતા છે, જોકે ચૂંટણીની સત્તાવાર તારીખ અંગેની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.