નર્મદા મુખ્ય નહેરના શુદ્ધિકરણ પ્લાન્ટને બોડેલી પાલિકાને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ

બોડેલીના માર્કેટ કમ્પાઉન્ડને અડીને આવેલો નર્મદા મુખ્ય નહેરના પાણીને શુદ્ધ કરવાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજ્યના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા બનાવાયો છે. બોડેલી નગરપાલિકાને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હસ્તાંતરણ કરી સુપરત કરવાની વહીવટી પ્રક્રિયા હાલ ચાલી રહી છે.

ટૂંક સમયમાં જ આ પ્લાન્ટ સરકારના પાણી પુરવઠા વિભાગના વહીવટમાંથી બોડેલી નગરપાલિકા હસ્તક આવી જશે. બોડેલીમાં નર્મદા મુખ્ય નહેરના પાણી શાખા નહેર મારફતે રાઈઝિંગ મેઇન દ્વારા બોડેલી બજાર સમિતિના કમ્પાઉન્ડને અડીને બનાવવામાં આવેલ ફિલ્ટરેશન પ્લાન્ટના સંપમાં ઠાલવવામાં આવે છે.

રોજના ૭૦ લાખ લિટર પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ધરાવતા આ ડબલ્યુટીપી પરથી બોડેલી, અલીપુરા ઢોકલીયા અને ચાચક ગ્રામ પંચાયતોની હદમાં વિશાળ સંપ બનાવી ત્યાં પાણી સપ્લાય કરવામાં આવે છે.

આ યોજના થકી રોજના ૨૫,૦૦૦ થી વધુ નાગરિકોને પીવાના પાણી સપ્લાય કરાય છે. બોડેલી નગરપાલિકાના વહીવટી અધિકારીઓ દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નો સર્વે પણ કરાયો હતો. આ અંગે બંને કચેરીઓ વચ્ચે આપસમાં પત્ર વ્યવહાર પણ થયા છે.

બોડેલી નગરપાલિકાને આ પ્લાન્ટ હસ્તાંતરણ થયા પછી તમામ મેન્ટેનન્સ અને જવાબદારીઓ નગરપાલિકાની રહેવાની હોવાથી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જ આ પ્લાન્ટનો કબજો લેવાશે તેમ જાણવા મળે છે.

જાખરપુરા, ચારોલાને બીજી જૂથ પાણી પુરવઠા યોજનાથી અપાતું પાણી આ ફિલ્ટરેશન પ્લાન્ટ લગભગ ૬ કરોડ ‚પિયાના ખર્ચે નવો બનાવાયો હતો. જેમાંથી શુદ્ધિકરણ કરેલ પાણી નદી કિનારે ફિલ્ટરેશન પ્લાન્ટ પાસે ૩૨ લાખ લિટર ક્ષમતા ધરાવતા સંપમાં, બોડેલીમાં ૧૮ લાખ લિટરના સંપમાં, અલીપુરામાં ૧૪ લાખ લિટરનો સંપ, ઢોકલીયામાં ચાર લાખ લિટરનો સંપ તેમજ ચાચકમાં ચાર લાખ લિટર ક્ષમતા ધરાવતા સંપમાં ઠાલવવામાં આવે છે.

બોડેલી નગરપાલિકામાં સમાવિષ્ટ જાખરપુરા અને ચારોલા ગામોને બીજી જૂથ પાણી પુરવઠા યોજના મારફતે પાણી પુરવઠો અપાય છે.