છોટાઉદેપુર પાલિકામાં ભાજપના બે જૂથ વચ્ચે સત્તાની ખેંચતાણ ઉપપ્રમુખ સહિત ૧૭ સભ્યોએ બળવો કર્યો

હંમેશાં માટે રાજકારણમાં ચર્ચિત રહેલી છોટાઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખ બનતાં જ નવા નવા વિવાદો સામે આવી રહ્યા છે. જેમાં ભાજપના બે જૂથ વચ્ચેની સત્તાકીય ખેંચતાણની પોલ બહાર આવી ગઈ છે.

હાલમાં જ બે દિવસ પહેલાં પ્રમુખની નિમણૂક થઈ જેના ગણતરીના કલાકોમાં જ ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે. જ્યારે ૧૭ જેટલા સભ્યોએ મંજૂરી વગર વિકાસકામોના બિલો ન ચૂકવવા ચીફ ઓફિસર સમક્ષ માંગણી કરી છે.

છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં કુલ ૭ વોર્ડની ૨૮ બેઠકો ધરાવતી છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રમુખની સત્તાવાર વરણી થતાંની સાથે જ રાજકારણ ગરમાયું છે. નગરપાલિકામાં પ્રમુખની પસંદગી થતાં જ ઉપપ્રમુખ સહિત ૧૭ સભ્યોએ બળવો પોકારી ચીફ ઓફિસરને સહી સાથેનો લેખિત પત્ર સોંપ્યો છે.

તાજેતરમાં વોર્ડ નંબર-૪માં ભાજપના ઉમેદવાર રજનીબેન રાઠવા વિજેતા બનતાં જ તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવાયા હતા. અગાઉ સમાજવાદી પાર્ટીના પરવેજ મકરાણી પ્રમુખના ચાર્જમાં હતા. સત્તાવાર પ્રમુખની નિમણૂક થતાં જ ભાજપના કુલ ૮ સભ્યોમાંથી ૬ સભ્યોએ ભડકો કર્યો છે. ભાજપના આ અસંતુષ્ટ જૂથે અન્ય પક્ષોના સભ્યોને સાથે રાખી ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે.

આ જૂથમાં ભાજપના ૬, સમાજવાદી પાર્ટીના ૬, કોંગ્રેસના ૧, અપક્ષના ૩ અને બીએસપીના ૧ સભ્ય મળીને કુલ ૧૭ સભ્યોનો સમાવેશ થાય છે.

આ ૧૭ સભ્યોએ પોતાની સહી સાથે ચીફ ઓફિસરને પત્ર સોંપીને ચીમકી આપી છે કે નગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિકાસકામોમાં બહુમતી ૧૭ સભ્યોની મંજૂરી વગર કોઈ પણ બિલ પાસ કે ચૂકવણી કરવી નહીં.નગરપાલિકામાં કર્મચારીઓની નવી ભરતી કરતા પહેલાં પણ ૧૭ સભ્યોની આગોતરી મંજૂરી લેવી તેમ લેખિતમાં જણાવ્યું છે.

બળવો કરનારા ભાજપના ૬ સભ્યો બળવો કરનારા સભ્યોમાં અલ્પાબેન સૌરભકુમાર શાહ, વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ ધોબી, મુકેશ દલસુખભાઈ રાઠવા, પ્રશાંત ભરતભાઈ પટેલ, શ્ર્વેતાબેન રાહુલકુમાર પરમાર અને વિમલ અમરતલાલ દરજીનો સમાવેશ થાય છે.

જૂથવાદને કારણે સ્થાનિક ભાજપ સંગઠન મુશ્કેલીમાં મૂકાયું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા હાલમાં આશરે રૂ. ૮ કરોડના વિકાસકામો ચાલી રહ્યા છે. આઅંગે ચીફ ઓફિસર ભાવિક બરજોડે જણાવ્યું હતું કે, “૧૭ સભ્યોની સહી હોવાથી બહુમતી સભ્યોનીસંમતિ વગર કોઈ પણ પેમેન્ટ થઈ શકશે નહીં.

જો પ્રમુખે સત્તા મેળવવી હોય તો ૧૭ સભ્યોની સહીસાથેનો પત્ર રજૂ કરવો પડશે. પ્રમુખની વરણી બાદ સપાટી પર આવેલા આ જૂથવાદને કારણેસ્થાનિક ભાજપ સંગઠન મુશ્કેલીમાં મૂકાયું છે અને નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.