દાહોદના કાળીતલાઈ નજીક કુશળગઢ–અલીરાજપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં 3 ના મોત:એક ઇજાગ્રસ્ત.

ઈકો કાર, ક્રુઝર અને બાઈક વચ્ચેની ટક્કરમાં ત્રણ યુવકોનાં મોત, એક યુવક ગંભીર ઈજાગ્રસ્ત; બાઈકમાં આગ ભભૂકી ઊઠી 

દાહોદમાંથી પસાર થતા કુશળગઢ–અલીરાજપુર હાઈવે પર કાળી તલાઈ નજીક આવેલી સતી તોરલ હોટલ પાસે સાંજના સમયે ઈકો કાર, ક્રુઝર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકમાં આગ ભભૂકી ઊઠતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, છાપરી ગામના 15 વર્ષીય યોગેશ ભુરીયા અને 20 વર્ષીય મિલન ભુરીયા GJ-20-BH-4864 નંબરની બાઈક પર સવાર થઈ સતી તોરલ હોટલ નજીકથી છાપરી ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન GJ-05-JA-3987 નંબરની ઈકો કારમાં મુવાલિયા ગામના 28 વર્ષીય સાગર ચંદ્રસિંહ ડામોર તથા GJ-17-CK-9283 નંબરની ક્રુઝર ગાડીમાં પાવડી ગામના 40 વર્ષીય પ્રકાશભાઈ સમસુભાઈ ભાભોર સવાર હતા. ત્રણેય વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં ગંભીર દુર્ઘટના બની હતી.અકસ્મા‌ત દરમિયાન બાઈકમાં આગ લાગી હતી. બનાવની જાણ થતાં દાહોદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર ફાઈટર પણ સ્થળ પર દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજી તરફ, સ્થાનિક લોકોની મદદથી પોલીસે ભારે જહેમત બાદ ઈકો કાર અને ક્રુઝરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.અકસ્મા‌તમાં બાઈક સવાર બંને યુવકો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.

આ દરમિયાન મિલન ભુરીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યોગેશ ભુરીયાને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, ઈકો કારના ચાલક સાગર ચંદ્રસિંહ ડામોર અને ક્રુઝર સવાર પ્રકાશભાઈ સમસુભાઈ ભાભોરનાં પણ મોત નીપજ્યાં હતાં.આમ, આ ગમખ્વાર અકસ્માતમાં કુલ ત્રણ યુવકોનાં મોત થતાં ત્રણેય પરિવારોમાં શોકની લાગણી ફરી વળી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દાહોદ રૂરલ પોલીસે બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.