ગોધરામાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો:લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ૫૦થી વધુ સ્ટોલ, ૧૦ દિવસ ચાલશે

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોના વપરાશને વેગ આપવા માટે ગોધરા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે.

ગોધરાના લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે આ મેળામાં ૫૦થી વધુ સ્ટોલ ઊભા કરાયા છે. આગામી ૧૦ દિવસ સુધી ચાલનારા આ મેળામાં સ્થાનિક ઉત્પાદનો અને કુશળ કારીગરોને પ્રોત્સાહન અપાશે.

આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી, નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે સ્વદેશી ચીજવસ્તુઓનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી.

આવા મેળાઓથી સ્થાનિક ઉદ્યોગોને બજાર મળે છે અને નાના વેપારીઓ-કારીગરોને પોતાની બનાવટો લોકો સુધી પહોંચાડવાની તક મળે છે.