
ધાનપુર તાલુકાના પીપોદરા ગામના એક લાભાર્થીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેમના નામે જે સર્વે નંબરની જમીન પર કૂવો બનાવવાનો દર્શાવી સરકારી ચુકવણું કરવામાં આવ્યું છે, તે જમીન પર વાસ્તવમાં કૂવો બનાવવામાં આવ્યો જ નથી.
લાભાર્થી ના જણાવ્યા મુજબ, સંબંધિત સર્વે નંબર પર કોઈ કામ થયું નથી, છતાં કૂવો પૂર્ણ થયેલો બતાવી સરકારી પેમેન્ટ ઉપાડી લેવામાં આવ્યું છે. લાભાર્થીએ વધુમાં જણાવ્યું કે તેમણે આજદિન સુધી સરકારની કોઈપણ યોજનાનો લાભ લીધો નથી અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.

આ મામલે લાભાર્થીએ ધાનપુર તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ) તેમજ દાહોદ જીલ્લા વિકાસ અધિકારી (ઉઉઘ)ને લેખિત રજૂઆત કરી તપાસ અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમ છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
લાભાર્થીએ માંગ કરી છે કે સમગ્ર મામલાની સ્થળ તપાસ કરી, જો કોઈ અનિયમિતતા કે ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ અથવા સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સરકારના નાણાંનો દુપયોગ અટકાવવામાં આવે.,