
નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાને અગ્રતા આપી લુણાવાડામાં ૨૧ આરોગ્ય ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે
કલેકટરશ્રી દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ, જયશ્રી નગર સોસાયટી અને ગણેશ સોસાયટીની મુલાકાત લઈ આરોગ્ય વિભાગને જરૂરી સૂચનો કર્યા
મહીસાગર જિલ્લામાં ગુલિયન-બારે સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ કેસો નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા લુણાવાડા સ્થિત જય શ્રી નગર અને ગણેશ સોસાયટીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા ડોર-ટુ-ડોર સર્વેની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ લુણાવાડા જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો કર્યા હતો.
આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, લુણાવાડામાં હાલ આરોગ્ય વિભાગની ૨૧ જેટલી ટીમો કાર્યરત છે. જય શ્રી નગર સોસાયટીમાં સઘન ચેકિંગ હાથ ધરી ૯:૦૦ વાગ્યાથી ૫૯ જેટલા ઘરોનો અને ગણેશ સોસાયટીમાં ૬૧ ઘરોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસર (MO) અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) સહિતની ટીમો ઘરે-ઘરે ફરીને બાળકો તથા નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે. જો કોઈ વ્યક્તિમાં બીમારીના લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ ઉપરાંત કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગઈ કાલે હેલ્થ ટીમે કુમાર છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ઝાડા-ઉલટીની તકલીફ ધરાવતા ૬ બાળકોને જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ૪ બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય ૨ બાળકોની તબિયત સ્થિર છે અને ટૂંક સમયમાં તેમને રજા અપાશે. તકેદારીના ભાગરૂપે જિલ્લાની શાળાઓ, કેન્ટીન, આંગણવાડીઓ અને મધ્યાહ્ન ભોજન (MDM) કેન્દ્રોમાં ફૂડ સેફ્ટીની સઘન ચકાસણી કરવામાં આવશે. જ્યાં પણ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જણાશે ત્યાં કડક કાર્યવાહી અને નોટિસ ફટકારવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
આ મુલાકાત દરમિયાન આરોગ્ય અધિકારીશ્રી સી આર પટેલિયા, લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી ઉમેશ શાહ, નારપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી.