પંચમહાલમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના અવસરે પંચમહાલવાસીઓને  વિકસિત ભારત ૨૦૪૭ માટે સંકલ્પબદ્ધ થવા આહ્વાન કરતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા


‘એક પેડ મા કે નામ’ અને વ્યસનમુક્ત યુવાશક્તિ દ્વારા ‘વિકસિત ભારત ૨૦૪૭’નું સ્વપ્ન સાકાર કરીએ

શહેરોની સાથે ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય એ જ  રાજ્ય સરકારની પ્રાથમિકતા

ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાઈ


 ગોધરા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક પ્રભારી મંત્રીશ્રીના વરદહસ્તે જિલ્લા વહીવટી તંત્રને એનાયત કરાયો

પંચમહાલ જિલ્લાના ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિન ભવ્ય ઉજવણી પ્રભારી મંત્રીશ્રીની રમેશ કટારા પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારાએ ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

 આ પ્રસંગે ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની પંચમહાલ વાસીઓને  હાર્દિક શુભકામનાઓ પાઠવતા પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે,આજે આપણે અત્યંત ગૌરવ અને આનંદનો દિવસ ઉજવી રહ્યા છીએ. દેશને આઝાદી અપાવવા માટે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. દેશની આઝાદી માટે બલિદાન આપનાર તમામ શહીદોને મંત્રીશ્રીએ ભાવાંજલિ અર્પણ કરી હતી.



વધુમાં પ્રભારી મંત્રીશ્રી ઉમેરતા જણાવ્યું હતું કે,આજે આપણો દેશ અને ગુજરાત રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે વિવિધ ક્ષેત્રોમાં ગુજરાત મોખરે બની રહ્યું છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું કે,સરકાર દ્વારા વિકાસની વ્યાખ્યા માત્ર શહેરો પૂરતી સીમિત નથી, પરંતુ આપણા ગામડાં અને ખેડૂતો પણ સમૃદ્ધ બને તે દિશામાં પ્રાથમિકતા આપવામાં આવી છે. ગામડાઓમાં પીવાનું પાણી, રસ્તા, વીજળી અને આરોગ્ય જેવી સુવિધાઓ સાથે આધુનિક ટેકનોલોજી પહોંચાડવામાં આવી છે,તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.


પ્રભારી મંત્રીશ્રીએ  નગરજનોને આજના દિવસે સંકલ્પ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે,પર્યાવરણની જાળવણી માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને આપણે આપણી ધરતીને હરિયાળી બનાવવાનો સંકલ્પ કરવાનો છે. આપણા યુવાનો વ્યસનથી દૂર રહે, સદ્ગુણો અને ભારતીય સંસ્કૃતિ સાથે સશક્ત ભારતનું નિર્માણ કરે તે જરૂરી છે.આમ, આ પવિત્ર દિવસે તેમણે નગરજનોને સાથે મળીને એકતા, સમૃદ્ધિ અને વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં  યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ ગોધરા તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા વહીવટી તંત્ર એનાયત કર્યો હતો.

આ પંચમહાલ જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય દિન સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુલ 7 શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી છે. આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ ગાદી ઇન્ટરનેશનલ ટેક્નો સ્કૂલ દ્વારા યોગા રીહર્સલ, કલરવ હાઇસ્કૂલ દ્વારા દેશભક્તિ મેશપ ડાન્સ, કેજ્યુબીલી ચંપોપાના વિધાર્થીઓ દ્વારા પિરામિડ કૃતિ, આદિવાસી આશ્રમશાળા સાંકળી દ્વારા આદિવાસી ટીમલી , નાલંદા સ્કૂલ દ્વારા આર્મી થીમ આધારિત કૃતિ, સાંદીપની ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સ દ્વારા ગરબા ફ્યુઝન  અને સેંટ આર્નોલ્ડ હાઇસ્કૂલ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ ડાન્સ વગેરે જેવી કૃતિ પ્રસ્તુત કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતાં.



આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી સહિતના મહાનુભાવો તથા પત્રકારશ્રીઓએ પોલીસ પરેડ ગ્રાઉન્ડના પટ્ટાગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ,રાજ્યસભા સાંસદ શ્રી જસવંત સિંહ પરમાર,ધારાસભ્ય શ્રી સી કે રાઉલજી,જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત,નિવાસી અધિક કલેકટર શ્રી જે જે પટેલ સહિત જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.