છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે ડી.બી. પારેખ હાઈસ્કૂલના પ્રાંગણમાં જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી મંત્રી ડો. મનિષાબેન વકીલે ધ્વજવંદન કર્યું હતું.
ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડો. મનિષાબેન વકીલે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
આ ઉજવણીમાં જીલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જીલ્લાના પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે, ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપે છે.
આ પ્રસંગે સાંસદ જશભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જીલ્લા કલેકટર ગાર્ગી જૈન, સંખેડા તાલુકાના મામલતદાર જે.એચ. પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત જીલ્લાના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.