ગોધરામાં જુગારની બાજી પર LCBનો સપાટો, ઝડપાયેલા 7 શકુનિમાં એક નગરપાલિકા સભ્યનો પતિ.

તીરગરવાસ પાવરહાઉસ પાસે બંધ મકાનમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો…રૂ.16,150 રોકડ અને 104 ગંજી પાના કબજે

ગોધરા શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ સપાટો બોલાવી તીરગરવાસ પાવરહાઉસ પાસેના એક બંધ મકાનમાં શ્રાવણીયો જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.16,150 રોકડ તથા 104 ગંજી પાનાં સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીધી ચૌધરીના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના મુજબ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. વોરાએ જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સ્ટાફને સૂચના આપી હતી.આ દરમિયાન LCBને મળેલી બાતમીના આધારે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.આર. જેતાવત તથા સ્ટાફે તીરગરવાસ પાવરહાઉસ પાસેના બાતમીવાળા મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મકાનમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હતો. દરોડા દરમિયાન સાત ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રેસનોટ મુજબ ઝડપાયેલા ઇસમોમાં

1. તીરથદાસ ઉર્ફે રામભાઈ નારાયણદાસ ભાગવાણી, રહે. તીરગરવાસ, પાવરહાઉસ પાસે, ગોધરા

2. શોયેબ અબ્દુલસત્તાર કલંદર, રહે. પોલન બજાર, વાલી ફળીયા, ગોધરા

3. શબ્બીર મહમદ મમદુ, રહે. જહુરપુરા, પોસ્ટ ઓફિસ પાસે, ગોધરા

4. ઇશ્હાક અબ્દુલરજાક સદામસ, રહે. જહુરપુરા, પોસ્ટ ઓફિસ પાસે, ગોધરા

5. ઇકબાલ અબ્દુલા મમદુ, રહે. જહુરપુરા, પોસ્ટ ઓફિસ પાસે, ગોધરા

6. ઇરફાન સીદ્દીક કાલુ ઉર્ફે ડગલ, રહે. અશરફી મસ્જિદ પાસે, ખંખારિયા પ્લોટ, ગોધરા

7. જાવેદ હુસને વલીવાંકા, રહે. મુસ્લિમ સોસાયટી, એ વચલા ઓઢા, ગોધરા.

ઝડપાયેલા જુગારીઓ પૈકી જાવેદ હુસને વલીવાંકાનું નામ ગોધરાના સ્થાનિક નગરપાલિકા અને રાજકીય વર્તુળોમાં અગાઉથી ચર્ચામાં રહેતું હોવાનું સ્થાનિક સ્તરે જણાવાય છે. તેઓ ગોધરા નગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના એક મહિલા કાઉન્સિલરના પતિ હોવાનું પણ સ્થાનિક સ્તરે ચર્ચાય છે. ચૂંટણી સમયથી લઈને નગરપાલિકા કચેરી સાથે સંકળાયેલી બાબતોને લઈને ચર્ચામાં રહેલા જાવેદ વલીવાંકાનું નામ હવે LCBની જુગારની કાર્યવાહીમાં ઝડપાયેલા સાત ઇસમોમાં આવતા ફરી ચર્ચામાં આવ્યું છે.દરોડા દરમિયાન પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.8,800 તથા દાવ ઉપરના રૂ.7,350, એમ કુલ રૂ.16,150 રોકડ કબજે કરી હતી. આ ઉપરાંત 104 ગંજી પાનાં પણ કબજે કરવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે ઝડપાયેલા સાતેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું LCBની સત્તાવાર પ્રેસનોટમાં જણાવાયું છે.આ સમગ્ર કાર્યવાહી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એચ.આર. જતાવત તથા LCB ગોધરાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.