
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસે સ્વિફ્ટ કારમાંથી કુલ 984 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત ₹3,15,144 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹3,00,000ની સ્વિફ્ટ કાર, ₹50,000નું Jupiter મોટરસાયકલ અને ₹20,500ના 5 મોબાઈલ ફોન સહિત કુલ ₹6,85,644નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના અંબા ગામ તરફથી સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ (GJ-03-LG-6320) વિદેશી દારૂ ભરીને પીપલદા થઈ ધનીવાડા તરફ આવી રહી છે. આ દારૂ ભરેલી ગાડીના પાયલોટિંગ માટે TVS Jupiter પર બે શખ્સ પણ આગળ ચાલી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક જાળ બિછાવી હતી. થોડા સમયમાં જ Jupiter પર આવેલા બે પાયલોટને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. તેમની પાછળ જ બાતમીવાળી સ્વિફ્ટ કાર પણ આવી પહોંચી હતી, જેને રોકાવીને તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં (1) દિકનેશભાઈ દસરિયાભાઈ ઉર્ફે તોમર (ઉં.વ. 26, રહે. અંબા, તા. સાંઢવા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ), જેના વિરુદ્ધ સંખેડા અને કવાંટમાં અગાઉ પણ દારૂના ગુના નોંધાયેલા છે. (2) અસપાક રસીદભાઈ ઉર્ફે શેખ (ઉં.વ. 34, રહે. લાલ ડેલા, રાણીકા, ભાવનગર). (3) ઉમેશભાઈ રાવજીભાઈ ઉર્ફે ડાવર (ઉં.વ. 21, રહે. અંબા, તા. સાંઢવા, જિ. અલીરાજપુર, મધ્યપ્રદેશ), જેના વિરુદ્ધ ડભોઈમાં પણ ગુનો નોંધાયેલો છે. (4) મેહુલભાઈ ભરતભાઈ ઉર્ફે ચુડાસમા (ઉં.વ. 27, રહે. મફતનગર, આનંદનગર, ભાવનગર) નો સમાવેશ થાય છે. કવાંટ પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.