દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનના એન્જિનમાં ધુમાડા બાદ આંગ નીકળતા દોડધામ

ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી આગ બુઝાવી.

દાહોદ તાલુકાના જેકોટ રેલ્વે સ્ટેશન નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી જેકોટ રેલ્વે સ્ટેશન નજીક થી પસાર થઈ રહેલી એક ટ્રેનના એન્જિનમાંથી અચાનક ભારે ધુમાડો નીકળવાનું શ‚ થતા સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ દાહોદ ફાયર વિભાગને થતાં દાહોદ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને એન્જિનમાં લાગેલી આગ અને ધુમાડા પર ટૂંક સમયમાં જ કાબુ મેળવી લીધો હતો. ફાયર ટીમની ત્વરિત અને સમયસૂચક કામગીરીને કારણે આગ વધુ ફેલાઈ નહોતી અને એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે આર્થિક નુકસાન ન થતાં રેલ્વે પ્રશાસન અને સ્થાનિક લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, શોર્ટ સર્કિટના કારણે એન્જિન માંથી ધુમાડો નીકળ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.\

આ કામગીરીમાં ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવતા લગભગ પોણો કલાક જેવો સમય લાગી ગયો હતો.