ગઝલ એટલે ગઝલ સહિયારા ગઝલસંગ્રહનું ભવનાથ તળેટીના પ્રેરણા ધામમાં વિમોચન, કાલોલના કવિ સહિત ૩૭ કવિઓએ કર્યું કાવ્યપઠન

જૂનાગઢ, ભવનાથ તળેટી: ગિરનાર તળેટીના આલ્હાદક અને સાહિત્યસભર વાતાવરણમાં તા. ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગઝલ એટલે ગઝલ ગ્રૂપ દ્વારા ગુજરાત અને મુંબઈના કુલ ૭૬ કવિઓની સહિયારી ગઝલ રચનાઓને સમાવતો ગઝલ સંગ્રહ ગઝલ એટલે ગઝલના વિમોચન કાર્યક્રમ તથા કવિ સંમેલનનું આયોજન પ્રેરણા ધામ, ભવનાથ તળેટી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જીલ્લાઓ ઉપરાંત મુંબઈથી પધારેલા આશરે ૫૦ જેટલા કવિ-કવયિત્રીઓએ ઉપસ્થિત રહી સાહિત્યિક માહોલને જીવંત બનાવ્યો હતો.

કાર્યક્રમની શ‚આત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો અને કવિ-કવયિત્રીઓનું શબ્દોથી સ્વાગત કવિ મહેન્દ્રસિંહ પઢિયાર મરમી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સહિયારા ગઝલસંગ્રહ ગઝલ એટલે ગઝલના સંપાદન અને પ્રકાશન સુધીના વિવિધ તબક્કાઓ અંગે કવયિત્રી પૂર્ણિમાબેન ભટ્ટ શબરી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ગઝલ સંગ્રહના સાહિત્યિક સ્વરૂપ અને તેની વિશેષતાઓ અંગે કવિ ભરત ભટ્ટ તરલ દ્વારા પુસ્તકનો ઉઘાડ કરવામાં આવ્યો હતો અને કૃતિની સાહિત્યિક વિગતો રજૂ કરવામાં આવી હતી. ગુજરાત તથા મુંબઈના ૭૬ સર્જકોની ગઝલ રચનાઓને એક જ સંગ્રહમાં સ્થાન મળતાં આ પુસ્તક ગુજરાતી ગઝલપ્રેમીઓ અને સાહિત્યરસિકો માટે મહત્વપૂર્ણ સાહિત્યિક સંકલન બની રહ્યું છે.

આ પ્રસંગે વડોદરાના સર્જક ડો. ભાવનાબેન જોષી ચાંદનીના માઇક્રોફિક્શન વાર્તાસંગ્રહ શબ્દ મંથનનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. એક જ સાહિત્યિક મંચ પર ગઝલસંગ્રહ સાથે માઇક્રોફિક્શન વાર્તાસંગ્રહનું વિમોચન થતાં કાર્યક્રમમાં વિવિધ સાહિત્યિક સ્વ‚પોની સુંદર રજૂઆત જોવા મળી હતી.

કાર્યક્રમમાં કવિ ડો. ઉર્વીશ વસાવડા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ કવિ હર્ષ પંડ્યા અમીરના સુંદર સંચાલન હેઠળ કવિ સંમેલન યોજાયું હતું. જેમાં આશરે ૩૭ કવિ-કવયિત્રીઓએ પોતાની રચનાઓનું કાવ્યપઠન કર્યું હતું. વિવિધ વિષયો અને ભાવસભર રચનાઓના પઠનથી ઉપસ્થિત સાહિત્યરસિકો મંત્રમુગ્ધ બન્યા હતા. ગિરનાર તળેટીના કુદરતી અને આલ્હાદક વાતાવરણમાં યોજાયેલ આ કવિ સંમેલને સમગ્ર કાર્યક્રમને વિશેષ સાહિત્યિક માહોલ પૂરો પાડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઝલ એટલે ગઝલ સહિયારા ગઝલસંગ્રહમાં પંચમહાલ ના કાલોલ નિવાસી કવિ, ગઝલકાર આચાર્ય કુમાર શાળાના રાકેશ ઠાકર ‘તરંગ’ ની બે ગઝલ રચનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના સર્જનને આ સહિયારા સાહિત્યિક સંગ્રહમાં સ્થાન મળતાં કાલોલ અને પંચમહાલના સાહિત્યક્ષેત્ર માટે પણ આ પ્રસંગ નોંધપાત્ર બન્યો છે.સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંયોજન કવિ મહેન્દ્રસિંહ પઢિયાર મરમી તથા કવિ દિલીપ ધોળકિયા શ્યામ, જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કવિ દિલીપ ધોળકિયા શ્યામ દ્વારા ઉપસ્થિત મહેમાનો, કવિ-કવયિત્રીઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ રીતે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ભવનાથ તળેટી ખાતે યોજાયેલ ગઝલ એટલે ગઝલનો વિમોચન કાર્યક્રમ અને કવિ સંમેલન સાહિત્ય, સર્જન અને કાવ્યપ્રસ્તુતિનો સુંદર સંગમ બની રહ્યો હતો. ગુજરાત અને મુંબઈના કવિઓને એક મંચ પર લાવી તેમની ગઝલ રચનાઓને એક સહિયારા સંગ્રહમાં સ્થાન આપવાના પ્રયાસે ગુજરાતી સાહિત્યપ્રેમીઓમાં સર્જનાત્મક જોડાણ અને સાહિત્યિક સંવાદને વધુ મજબૂત બનાવ્યો હતો. ગઝલ એટલે ગઝલ પુસ્તક વિમોચન નો આ આહ્લાદક પ્રસંગ કવિગણ વચ્ચે આત્મીયતાનો અનુબંધ બાંધવાનો સેતુ બની રહ્યો.