રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સેવા મેરા યોગદાન અભિયાન હેઠળ મહીસાગર જીલ્લાના લુણાવાડામાં દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં કુલ ૯૭ દિવ્યાંગ લાભાર્થીઓને તેમની જરિયાત મુજબના વિવિધ સહાયક સાધનો અપાયા હતા.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પુવાર અને જીલ્લા કલેક્ટર અર્પિત સાગર ખાસ હાજર રહ્યા હતા. સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા.
સરકારની યોજનાઓ અને આ સાધનો દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. તેનાથી તેઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકશે અને તેમનું રોજિંદું જીવન વધુ સરળ બનશે.