શહેરાના રહિશ ખેરાલુ ડેપોની બસમાં ભુલી ગયેલ ૫૦ હજાર કંડક્ટરે પરત કર્યા

મહેસાણા વિભાગના ખેરાલુ ડેપોની એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન ભૂલાઈ ગયેલા ₹50,000 બે દિવસ બાદ તેના સાચા માલિકને પરત મળ્યા છે. કંડક્ટર પરમાર હસ્વિનભાઈ નાનજીભાઈએ પ્રમાણિકતા દાખવી શહેરાના સનાભાઈ બાંભવાને આ રકમ સુપરત કરી હતી.

શહેરાના રહેવાસી સનાભાઈ બાંભવા ખેરાલુ ડેપોની બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ બસની સીટ પર ₹50,000 ભૂલી ગયા હતા. પાલનપુરથી પરત ફરતી બસમાં ફરજ પર રહેલા કંડક્ટર પરમાર હસ્વિનભાઈ નાનજીભાઈને આ રકમ મળી હતી, જેને તેમણે સુરક્ષિત રાખી હતી.

રૂપિયા ગુમ થયાની જાણ થતાં સનાભાઈ બાંભવાએ નગરપાલિકા સભ્ય સલીમ સમીર શેખનો સંપર્ક કર્યો હતો. સલીમ શેખે એસ.ટી. અધિકારીઓ સાથે વાતચીત કરતા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં રૂપિયા બસમાં જ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું.બે દિવસ બાદ આ રકમ સનાભાઈ બાંભવાને પરત સોંપવામાં આવી હતી. રૂપિયા પરત મળતા સનાભાઈ બાંભવાએ કંડક્ટર પરમાર હસ્વિનભાઈ નાનજીભાઈ, એસ.ટી. તંત્ર અને નગરપાલિકા સભ્ય સલીમ સમીર શેખનો આભાર માન્યો હતો.