
દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન.
રક્ષાબંધન પર્વ એટલે પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાની લાગણીને વધુ મજબૂત બનાવવાનું પવિત્ર પર્વ. આ પવિત્ર પર્વ નિમિત્તે દાહોદ તાલુકા મહિલા મોરચા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના માર્ગદર્શન હેઠળ યોજાનારા કાર્યક્રમ અંગે દાહોદ તાલુકા મહિલા મોરચાના પ્રભારી રીનાબેન પંચાલ, જીલ્લા મહિલા મોરચાના મહામંત્રી સંધ્યાબેન ભુરીયા, જીલ્લા મહિલા મોરચાના મંત્રી કૌશલ્યાબેન પટેલ તેમજ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન પરમારની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
મળતી માહિતી અનુસાર, મહિલા મોરચાની બહેનો દ્વારા દાહોદ તાલુકાના વિવિધ ગામોમાં ઘરે-ઘરે જઈ રક્ષાસૂત્ર બાંધી ભાઈચારો, સામાજીક સમરસતા અને સદભાવનાનો સંદેશ આપવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત ૨૫ હજારથી વધુ રક્ષાસૂત્રો બાંધીને વ્યાપક જનસંપર્ક કરવામાં આવશે. રક્ષાબંધનના પવિત્ર પર્વને સામાજીક એકતા અને સદભાવનાના પર્વ તરીકે ઉજવી ગામડાઓમાં તથા સમગ્ર સમાજમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સૌહાર્દ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. મહિલા મોરચાના આ વિશેષ જનસંપર્ક અભિયાનને લઈને કાર્યકર્તા બહેનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.