ગોધરામાં દારૂ-ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહીની માંગ સાથે જીલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગોધરા કલેક્ટર કચેરી ખાતે દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ રાજ્યમાં નશાકારક પદાર્થોના વધતા પ્રભાવ સામે આક્રમક વલણ અપનાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ અમલમાં છે. દરિયાકાંઠા અને આંતરરાજ્ય સરહદો પરથી મોટા પાયે દારૂ અને નશાકારક પદાર્થોની ઘૂસણખોરી થઈ રહી છે, જેના પરિણામે ગામડાઓ સુધી દારૂનું સેવન અને ગેરકાયદેસર વેચાણ વ્યાપક બન્યું છે.

કોંગ્રેસે ભૂતકાળમાં બનેલા ભાવનગર લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અસામાજિક તત્વો અને બૂટલેગરોમાંથી કાયદાનો ભય સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આવા નશાકારક પદાર્થોના વ્યાપક ફેલાવાને કારણે રાજ્યના અનેક યુવાનો અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે, અને ઘણી મહિલાઓ તથા બાળકો અનાથ બની રહ્યા છે.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ માંગ કરી છે કે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે. ઉપરાંત, સરહદો પરથી થતી દારૂ અને ડ્રગ્સની ઘૂસણખોરી તાત્કાલિક અટકાવવામાં આવે અને ગુનાખોરીમાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.