
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના નવાનગર ગામમાં લાલ માટીના મોટા પ્રમાણમાં ખોદકામને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ગામમાં આયુષ્યમાન દવાખાનાના પાછળના ભાગે આવેલા તલાવડી વિસ્તાર પાસે તેમજ દવાખાનાની આસપાસની જગ્યાએ લાલ માટી ખોદવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે સ્થળ પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે.
સ્થળ પર માટી ખોદવામાં આવી હોવાના નિશાન ઉપરાંત ટ્રેક્ટર જેવા વાહનોના અવરજવરનાં પાટા પણ સ્પષ્ટ જોવા મળતા હોવાનો સ્થાનિકોનો દાવો છે. તલાવડીની સામેની બાજુએ જેસીબી વડે માટી ખોદવામાં આવી હોવાના નિશાન પણ જોવા મળ્યા હોવાનું કહેવાય છે.
સ્થાનિકોમાં મુખ્ય સવાલ એ છે કે, આટલા મોટા પ્રમાણમાં ખોદવામાં આવેલી લાલ માટી આખરે ક્યાં લઈ જવામાં આવી? શું માટીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે? જો આ જમીન ગ્રામ પંચાયત હદમાં આવતી ગૌચર જમીન હોય તો ત્યાં ખનન કરવાની મંજૂરી કોની પાસેથી લેવામાં આવી હતી તે અંગે પણ તપાસની માંગ ઉઠી છે.
ગ્રામ પંચાયત વિસ્તારમાં આ પ્રકારનું ખોદકામ થતું હોવા છતાં જવાબદાર તંત્રને તેની જાણ ન હોય તે બાબતે પણ ગ્રામજનોમાં ચર્ચા જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સ્થળ તપાસ કરી જમીનનો સર્વે નંબર, જમીનની માલિકી, ખોદકામ માટે કોઈ મંજૂરી આપવામાં આવી છે કે નહીં તેમજ ખોદાયેલી માટી ક્યાં લઈ જવાઈ તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ખાસ કરીને જો ખોદકામ ગૌચર કે સરકારી જમીનમાં મંજૂરી વિના થયું હોય તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. ગૌચર જમીન અંગેના સરકારી નીતિ-નિયમોમાં પણ તેના ઉપયોગ અને ફાળવણીને લઈને નિયંત્રણોનો ઉલ્લેખ જોવા મળે છે.
ગામમાં ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, ગ્રામ પંચાયત વિસ્તારની જમીનમાં મોટા પાયે માટી ખોદકામ થતું હોય તો પંચાયતના જવાબદાર હોદ્દેદારોને તેની જાણ હતી કે નહીં? જો જાણ હતી તો કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં અને જો જાણ ન હતી તો પંચાયતના વહીવટ સામે પણ સવાલ ઊભો થાય છે.
હાલ સમગ્ર મામલે માટીનું ખનન કોણે કર્યું, કેટલા પ્રમાણમાં માટી ખોદવામાં આવી, માટી ક્યાં લઈ જવાઈ અને કોઈ સત્તાવાર પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે અંગે સત્તાવાર તપાસ થાય તો જ હકીકત બહાર આવી શકે તેમ છે.
નવાનગરના ગ્રામજનો હવે મહેસૂલ વિભાગ અને સંબંધિત ખાણ-ખનિજ તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી સમગ્ર મામલાની હકીકત જાહેર કરવામાં આવે અને જો ગેરકાયદેસર ખનન થયું હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.