મહીસાગર જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદન પાઠવીને વર્ક ટુ લ’ (નિયમ મુજબ કામગીરી) આંદોલનની જાહેરાત કરી છે.
મહીસાગર જીલ્લાના મહેસૂલી કર્મચારીઓ હવે સવારે ૧૦:૩૦થી સાંજે ૦૬:૦૦ના સત્તાવાર કચેરી સમય દરમિયાન જ ફરજ બજાવશે. સમય પૂર્ણ થયા બાદ કે જાહેર રજાઓમાં ઓનલાઈન પોર્ટલ કે થમ્બ આધારિત કામગીરીથી અળગા રહેશે.
માત્ર કુદરતી આપત્તિ, કાયદો-વ્યવસ્થા અને તાકીદની કામગીરીઓને અપવાદ ગણશે, જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે. કર્મચારી મંડળે જણાવ્યું છે કે, મોડી રાત સુધી ઓનલાઈન કામ કરવાના ભારે દબાણને કારણે કર્મચારીઓ ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે.
તાજેતરમાં તણાવથી ૩ કર્મચારીઓના અકાળે અવસાન થતા મૃતકોના પરિવારને ન્યાય આપવા માંગ કરાઈ છે. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૨માં ભરતી થયેલા નાયબ મામલતદારોની ફાઇનલ પ્રવરતા યાદી હજુ સુધી પ્રસિદ્ધ થઈ નથી. ૧૪ વર્ષ વિતી જવા છતાં ડીમ્ડ ડેટથી બઢતી ન મળતા કર્મચારીઓમાં ભારે અન્યાયની લાગણી છે.
મહેસૂલી તલાટીના જોબચાર્ટ સામે વિરોધ દર્શાવતા પીએમ-સ્વામિત્વ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા કામો પંચાયતના તલાટીને તેમજ કૃષિ રાહત પેકેજ અને પાક નુકસાની સર્વેની કામગીરી ગ્રામસેવકને સોંપવા માંગ કરાઈ છે.
પ્રાથમિક સુવિધાઓના અભાવે જ્યાં સુધી એક ગામ દીઠ એક મહેસૂલી તલાટી’નું મહેકમ ન થાય ત્યાં સુધી આ જોબચાર્ટ સ્થગિત રાખવા અનુરોધ કરાયો છે. જો સરકાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારાઈ છે.