
પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા સ્થિત ઐતિહાસિક શ્રી રણછોડજી મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવ જીત કુમાર દેસાઈ પરિવાર દ્વારા યોજાયો હતો.
શ્રાવણ માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ અને રણછોડરાયજીને વિવિધ મનોરમ હિંડોળામાં બિરાજમાન કરવાની પ્રાચીન પરંપરા મુજબ, મંદિરમાં પ્રભુ માટે આકર્ષક હિંડોળો સજાવવામાં આવ્યો હતો. ફૂલો અને રંગબેરંગી શણગારથી સુસજ્જ હિંડોળામાં બિરાજમાન ભગવાન રણછોડજીના દિવ્ય સ્વપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે જાંબુઘોડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. હિંડોળા ઉત્સવ દરમિયાન દર્શને આવેલા તમામ ભક્તો માટે વિશેષ દર્શન અને પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સમગ્ર મંદિર પરિસર “જય રણછોડ, માખણ ચોર” ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
આયોજક જીત કુમાર દેસાઈ અને તેમના પરિવારે આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા બદલ મંદિરના પૂજારીઓ, ઉપસ્થિત તમામ વૈષ્ણવજનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.