
સુરતમાં શ્રાવણ માસ દરમિયાન ચાલતા જુગાર સામે લસકાણા પોલીસે કાર્યવાહી તેજ કરી છે. લસકાણાના આશિર્વાદ બંગ્લોઝમાં એક નવા બંગલાના ટેરેસ પર જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન બંગલાની માલિક અને કથિત સંચાલિકા સહિત કુલ ૮ લોકોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, મુખ્ય સંચાલિકા તરીકે ઝડપાયેલી રસીલા ઉર્ફે રશ્મિ વેકરીયા એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન હોવાનું પોલીસના જણાવ્યા પ્રમાણે સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને ગંજીપાના સહિત કુલ ૨.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રસીલાબેને લસકાણાના આશિર્વાદ બંગ્લોઝમાં આશરે બે મહિના પહેલાં નવો બંગલો બનાવ્યો હતો. આ જ બંગલાના ટેરેસ પર બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. નવા બંગલાના ટેરેસ પર જુગારનું આયોજન કરવામાં આવ્યું હોવાની બાતમી મળતાં જ પોલીસ સક્રિય થઈ હતી. પોલીસના દરોડા દરમિયાન સ્થળ પરથી ૮ લોકો જુગાર રમતા મળી આવ્યા હતા.
લસકાણા પોલીસની ટીમ વાલક પાટિયા ચાર રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લસકાણાના આશિર્વાદ બંગ્લોઝ વિભાગ-૪માં આવેલા મકાન નંબર ૧૩૫ના ટેરેસ પર ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમ ખાનગી વાહનોમાં સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ અચાનક દરોડો પાડવામાં આવતા ટેરેસ પર ગોળ કુંડાળું બનાવી જુગાર રમતા ૮ શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
પોલીસે ઝડપી પાડેલા લોકોમાં બંગલાની માલિક રસીલાબેન હરેશભાઈ વેકરીયાનો પણ સમાવેશ થાય છે. પોલીસે તેમને જુગારધામની મુખ્ય સંચાલિકા તરીકે દર્શાવી છે. આ ઉપરાંત હિતેશભાઈ જયસુખભાઈ ઠુમ્મર, હરેશભાઈ જેન્તીભાઈ કરગર, મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી, ગોવિંદભાઈ છનાભાઈ પટોલીયા, અમિતભાઈ રમેશભાઈ પરમાર, મનોજભાઈ શંભુભાઈ રાઠોડ અને રસિકભાઈ હરીભાઈ ગેડીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઝડપાયેલા મોટાભાગના લોકો રત્નકલાકાર, કડિયાકામ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
દરોડા દરમિયાન પોલીસે જુગારના દાવ પર મૂકવામાં આવેલી ૫,૦૦૦ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત આરોપીઓની અંગઝડતીમાંથી ૧.૧૧ લાખ રોકડા મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે આઇફોન ૧૬ પ્રો મેકસ સહિત કુલ ૮ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. મોબાઈલની કુલ કિંમત આશરે ૧.૪૮ લાખ હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત ૫૨ નંગ ગંજીપાના પણ કબજે કરવામાં આવ્યા છે. આમ, રોકડ અને અન્ય વસ્તુઓ સહિત પોલીસે કુલ ૨.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સમગ્ર કાર્યવાહી બાદ લસકાણા પોલીસે તમામ ૮ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા કેસની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં અને અહીં નિયમિત રીતે જુગાર રમાડવામાં આવતો હતો કે કેમ તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.