
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે યોજાયેલી ખેડૂત જાગૃતિ સભામાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ ખેડૂતોના વળતર અને જમીનમાં થાંભલા નાખવાના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ વ્યક્ત કર્યું હતું. તેમણે ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ સાથે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે ૪૦૦ ગણું વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂતોની જમીનમાં થાંભલા નાખવા દેવામાં નહીં આવે. ખેડૂત સભામાં રાકેશ અમૃતિયાએ સરકારની નીતિઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા.
ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વીજ લાઈનો અથવા અન્ય પ્રોજેક્ટના થાંભલાઓને લઈને ખેડૂતોને થતા નુકસાન અને વળતરના મુદ્દે તેમણે પોતાની વાત રજૂ કરી હતી.રાકેશ અમૃતિયાએ કહ્યું કે ખેડૂતોની જમીન પર કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવે ત્યારે તેમને યોગ્ય વળતર મળવું જરૂરી છે. માત્ર સરકારી પ્રક્રિયાના આધારે ખેડૂતોની જમીનનો ઉપયોગ કરી શકાય નહીં તેવી દલીલ તેમણે કરી હતી. તેમના મતે જમીનમાં થાંભલા ઊભા થયા બાદ જમીનની કિંમત અને ઉપયોગિતા પર અસર પડી શકે છે. આથી ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય વળતર નક્કી કરવાની જરૂર છે.
ખેડૂત સભામાં રાકેશ અમૃતિયાએ સૌથી આક્રમક નિવેદન કરતાં કહ્યું હતું કે ખેડૂતોને જમીનનું ૪૦૦ ગણું વળતર આપવામાં નહીં આવે તો થાંભલા નાખવાની કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે. તેમણે ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન નહીં કરવામાં આવે તેવો સંદેશ આપ્યો હતો. આ નિવેદનને કારણે સ્થાનિક સ્તરે રાજકીય ચર્ચા પણ તેજ બની છે.રાકેશ અમૃતિયાએ સરકારની કામગીરી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે માત્ર મંજીરા વગાડવાથી સરકાર કોઈને કંઈ આપવા તૈયાર થતી નથી.
તેમણે ખેડૂતોના પ્રશ્નો માટે વધુ મજબૂત રીતે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્્યો હતો. તેમણે થાંભલા કાઢવાની કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરી હતી અને ખેડૂત આંદોલનને વધુ ઉગ્ર સ્વરૂપ આપવાનો સંકેત પણ આપ્યો હતો.ખેડૂત સભા દરમિયાન રાકેશ અમૃતિયાએ પોતાના પર થયેલી કથિત કાર્યવાહી અંગે પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યા બાદ તેમના ત્યાં છ વખત રેડ પાડવામાં આવી હતી. જાકે, આ આક્ષેપ અંગે સંબંધિત તંત્ર અથવા સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે નહીં તે સ્પષ્ટ નથી.ખેડૂતોના મુદ્દે રાકેશ અમૃતિયાએ પોતાના ભાઈ અને રાજ્ય સરકારના મંત્રી કાંતિલાલ અમૃતિયાના નિવેદન અંગે પણ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ખેડૂતોની જમીન, થાંભલા અને વળતરના મુદ્દે તેમણે સરકાર સામે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. હવે તેમના નિવેદન બાદ સરકાર અને સંબંધિત વિભાગ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તેના પર સૌની નજર રહેશે.
જમીનમાં થાંભલા નાખવા અને તેના બદલામાં મળતા વળતરને લઈને ખેડૂતોમાં અસંતોષ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જમીનના ઉપયોગ અને ભવિષ્યમાં થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને વળતર નક્કી થવું જાઈએ. હળવદના જુના દેવળિયા ગામે યોજાયેલી સભામાં આ મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બન્યો હતો. રાકેશ અમૃતિયાના આક્રમક નિવેદન બાદ હવે આ મુદ્દો વધુ રાજકીય રંગ પકડે તેવી શક્યતા છે.