
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્ય પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે.ડીજીપીના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ૧૮થી ૨૧ ઓગસ્ટ દરમિયાન શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ત્રણ દિવસની ડ્રાઇવ દરમિયાન અમદાવાદ પોલીસે વિવિધ ગુનાઓને લઈને કુલ ૪૩૬ કેસ નોંધ્યા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે રુપિયા ૮૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસની આ કામગીરી દરમિયાન કુલ ૪૭૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે માત્ર ધરપકડ પૂરતી કાર્યવાહી ન કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પણ કડક પગલાં લીધા છે. આવા કુલ ૪૧ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહીનો હેતુ વારંવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાતા તત્વો સામે કડક રોક લગાવવાનો હોવાનું પોલીસ તંત્ર તરફથી જણાવાયું છે.ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે દારૂ સહિતની પ્રવૃત્તિઓ સામે સઘન ચેકિંગ અને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં યોજાયેલી આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોએ સંકલિત રીતે કાર્યવાહી કરી હતી.
શહેર પોલીસની આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં પોલીસનો કડક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ થયો છે. ખાસ કરીને ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે પાસા જેવી કાર્યવાહી કરવામાં આવતા આગામી દિવસોમાં પણ પોલીસની આવી ઝુંબેશ ચાલુ રહે તેવી શક્યતા છે.