
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે પ્રજાપતિ સમાજ અને નવયુવક મંડળ દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને સેવાની ભાવના સાથે એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો.
દાહોદ તાલુકાના ચોસલા ખાતે આવેલા પવિત્ર કેદારનાથ મંદિરથી કાવડિયાઓએ જળ ભરીને પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. “હર હર મહાદેવ અને “બમ બમ ભોલેના નાદ સાથે નીકળેલી આ કાવડ યાત્રામાં યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાયા હતા.યાત્રા પોતાના નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈને લીલવા ઠાકોર સ્થિત શેષનારાયણ મંદિર પરિસરમાં પહોંચી હતી. જ્યાં કાવડિયાઓએ ભગવાન શિવજીના શિવલિંગ પર પવિત્ર જળથી જળાભિષેક કર્યો હતો.પ્રજાપતિ સમાજના યુવાનો દ્વારા આયોજીત આ યાત્રામાં સેવાકીય અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જળાભિષેક બાદ મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે કાવડ યાત્રાનું ભવ્ય સપન થયું હતું.