
પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ગરબાડા નગરમાં શિવભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે ગરબાડા ગામની મહિલાઓ દ્વારા અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક એક ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંગડી રોડ પર કરોડ નદીના કિનારે બિરાજમાન રામદેવ મંદિરથી આ પવિત્ર કાવડ યાત્રાની શઆત થઈ હતી. કાવડમાં જળ ભરીને નીકળેલી મહિલાઓ ‘હર હર મહાદેવ’ અને ’બમ બમ ભોલે’ના ગગનભેદી જયઘોષ સાથે આગળ વધી હતી. સમગ્ર યાત્રા માર્ગ શિવમય બની ગયો હતો.
આ યાત્રા ગરબાડા તળાવ કિનારે આવેલ ડુંગર પર બિરાજમાન રામદેવ મંદિર ખાતે પહોંચી હતી. ત્યાં શિવાલયમાં બિરાજમાન શિવલિંગ પર કાવડના પવિત્ર જળથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. ગરબાડા ગામની મોટી સંખ્યામાં મહિલાઓએ આ ધાર્મિક આયોજનમાં જોડાઈને શ્રાવણના બીજા સોમવારના પવિત્ર પર્વનો લાવો લીધો હતો અને પ્રભુ ભક્તિમાં લીન થઈ ધન્યતા અનુભવી હતી.