પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ધુસર ગામે ગેરકાયદેસર રેતી ખનન અને સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરવા બદલ એક ખનીજ માફિયા વિક્રમ ભરવાડને બે વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો છે. વેજલપુર પોલીસે વિક્રમને બોટાદ જિલ્લા ખાતે મોકલીને કાર્યવાહી કરી છે.
કાલોલ તાલુકાના ધુસર ગામના ખનીજ માફિયા વિક્રમ ભરવાઢ સામે રેતી ખનન સહિતના ગુનાઓ નોંધાયેલા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ ઈન્સ્પેકટર જી.કે.વહુનિયા દ્વારા તડીપાર માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાઓના આધારે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૫૬(ખ)હેઠળ આ દરખાસ્ત મોકલવામાં આવી હતી. ગોધરા પ્રાંત કચેરીના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એન.બી.મોદી દ્વારા આ અંગેનો હુકમ કર્યો છે. આ હુકમ અનુસાર વિક્રમ ભરવાડને પંચમહાલ, મહિસાગર, દાહોદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાંથી ૨ વર્ષ માટે હદપાર કરવામાં આવ્યો છે. હુકમના આધારે વેજલપુર પોલીસ સ્ટાફે વિક્રમ ભરવાડને બોટાદ જિલ્લા ખાતે મોકલી આપ્યો છે.