દાહોદના ફતેપુરામાં શિક્ષણ જગતને શરમ જનક સ્થિતિમાં મૂકે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ગરીબ બાળકોના હક્કનો માલ-સામાન ખુલ્લેઆમ એક ખાનગી શાળામાંથી પકડાયો છે. સરકારી શાળાઓ માટે ફાળવેલ ડિજીટલ બોર્ડ અને શૈક્ષણિક કીટ્સ જેવી સામગ્રીનો ખાનગી શાળામાં ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાની પોલ ખુલતા શિક્ષણ વિભાગમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સીધી સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે શું હવે તંત્ર આવા ભ્રષ્ટ લોકોને છાવરશે કે પછી નશ્યત કરશે? દાહોદ જીલ્લાના ફતેપુરા ખાતે આવેલ ટચ ધ લાઈટ ખાનગી શાળામાં દરોડા પાડીને પ્રાથમિક શાળાઓ માટે ફાળવાયેલો સરકારી સામાન રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યાં સરકારી શાળાના ગરીબ અને જરિયાતમંદ બાળકો માટે આવેલા ડિઝિટલ બોર્ડ, સ્ટેશનરી, શૈક્ષણિક કીટ્સ તથા જાદુઈ પીટારા જેવી કીમતી સામગ્રીનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. અને આ ગંભીર કૌભાંડમાં સલરાના સીઆરસી કો-ઓર્ડીનેટર પૂર્વીબેન ઉપાધ્યાય દ્વારા આ સરકારી માલ સામાન પોતાના સગાભાઈની ખાનગી શાળામાં પહોંચાડવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એટલું જ નહીં પરંતુ ભોજેલા પ્રાથમિક શાળાના આચાર્ય અલ્કેશભાઈ પ્રજાપતિ ખુદ આ વિવાદિત ખાનગી શાળા ટચ લાઈટના ટ્રસ્ટી હોવાનું સામે આવતા સરકારી ફરજ અને હિતોના ટકરાવનો ખુલ્લો પુરાવો મળ્યો છે. સી.આર.સી સલરા ખાતે ફરજ બજાવતા પૂર્વીબેન ઉપાધ્યાય આ ખાનગી શાળાના ટ્રસ્ટી હોવાથી તેમને સીઆરસી કોઓર્ડીનેટર તરીકેની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર બુનિયાદી શાળાની તપાસ દરમિયાન શિક્ષણ વિભાગની આંખમાં ધૂળ નાખવા માટે આસપાસની શાળાઓમાંથી ભાડે ડમી બાળકો બોલાવી ને બેસાડવામાં આવ્યા હોવાનું પણ મસમોટું ષડયંત્રપ્રકાશમાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને સામાજીક કાર્યકર અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરી, તીખી પ્રતિક્રિયા આપી છે. અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ દોષિતો સામે માત્ર નામ પૂરતું સસ્પેન્શન કરવાને બદલે કાયમી ધોરણે નોકરીમાંથી બરતરફ કરવાની તેમજ સરકારી તિજોરીની ચોરી કરવા બદલ કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધી તેમને જેલના સળિયા પાછળ મોકલી આપવાની માંગણી કરી છે. શિક્ષણ વિભાગમાં ચાલતી આવી અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચાર સામે હવે સ્થાનિક સ્તરે રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે પારદર્શક અને
કડક કાર્યવાહી ક્યારે હાથ ધરાય છે તે હવે જોવું રહ્યું!!!!.