
મંદિર નજીક ખુલ્લેઆમ માસ-મટનની દુકાનો ચાલુ હોવાના આક્ષેપો, લાયસન્સ વગરની દુકાનો સામે કાર્યવાહી ક્યારે? નગરજનોમાં વેધક સવાલ.
પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ઝાલોદ નગરમાં હિન્દુ સમાજ દ્વારા માસ, મટન તથા અન્ય નોનવેજની દુકાનો બંધ રાખવા અંગે મામલતદારશ્રી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને હિન્દુ મંદિરોની આસપાસ, નોનવેજની દુકાનો ખુલ્લેઆમ ચાલુ હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ નગરપાલિકા દ્વારા લાયસન્સ વિના ચાલતી માસ-મટનની દુકાનો સામે કાર્યવાહી કરી તેને બંધ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં કેટલીક દુકાનો ફરીથી ધમધમતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવી દુકાનોને દર સોમવારે તેમજ શ્રાવણ માસના આખરી દિવસે બંધ રાખવા માટે નગરપાલિકા દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે, પરંતુ કેટલાક દુકાનદારો તંત્રની સૂચનાને અવગણી રહ્યા હોવાની ચર્ચા છે.
આ મુદ્દે બે દિવસ અગાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં નગરમાં લાયસન્સ વગર માસ-મટનની દુકાનો ચલાવતા આશરે ચાર દુકાનદારોની દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી બાદ હવે નગરજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો લાયસન્સ વગર દુકાનો ચલાવવી નિયમવિદ્ધ છે તો આવી અન્ય દુકાનો સામે હવે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે?
બે દિવસ અગાઉ ફૂડ વિભાગ અને નગરપાલિકા દ્વારા પણ શહેરમાં કેટલીક જગ્યાએ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કાર્યવાહી બાદ પણ કેટલીક દુકાનો ફરીથી શ થઈ હોવાના આક્ષેપો થતાં તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.
શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને નિયમોનું પાલન કરાવવાની માંગ સાથે હિન્દુ સમાજ દ્વારા તંત્ર પાસે માત્ર કાગળ પરના આદેશો નહીં પરંતુ સ્થળ પર નિયમિત અને અસરકારક ચેકિંગ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મંદિર આસપાસના વિસ્તારોમાં લાગુ પડતા નિયમોનું કડક પાલન થાય અને લાયસન્સ વગર કે નિયમોનો ભંગ કરતી દુકાનો સામે નિષ્પક્ષ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
નગરજનોનો સીધો સવાલ છે કે અગાઉ ચાર જેટલી દુકાનોને સીલ કરવાની કાર્યવાહી થયા બાદ પણ જો અન્ય લાયસન્સ વગરની દુકાનો ચાલુ હોવાના આક્ષેપો સાચા હોય તો તંત્ર હવે ક્યારે અને કેટલી કડક કાર્યવાહી કરશે? માત્ર એકાદ દિવસની કાર્યવાહી કરીને સમગ્ર મામલો ઠંડો પાડી દેવામાં આવશે કે નિયમોનો ભંગ કરનાર તમામ સામે કાયમી અને કડક કાર્યવાહી થશે?
હિન્દુ સમાજની ધાર્મિક લાગણી અને શ્રાવણ માસની પવિત્રતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરવામાં આવે તથા નિયમોનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ કે દુકાનદારને કાયદાથી ઉપરનું સ્થાન ન મળે તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.