
જમીનના બદલામાં જમીન, યોગ્ય વળતર અને હક-અધિકારોના મુદ્દે કાયદાકીય લડત અંગે ચર્ચા.
દાહોદ જીલ્લાના વસ્તી ગામે દિલ્હી-મુંબઈ કોરિડોર હાઇવે સહિત વિવિધ પરિયોજનાઓથી અસરગ્રસ્ત ૧૪ ગામોના ખેડૂતોની મહત્વપૂર્ણ જાહેર બેઠક યોજાઈ હતી. ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખેડૂતોના વકીલ આનંદભાઈ યાજ્ઞિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વકીલના આગમનની જાણ થતાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ફુલહાર પહેરાવી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
દિલ્હી-મુંબઈ કોરિડોર સહિત વિવિધ સરકારી પરિયોજનાઓમાં જમીન ગુમાવનાર ખેડૂતો દ્વારા જમીનના બદલામાં જમીન, યોગ્ય અને ન્યાયસંગત વળતર તેમજ આદિવાસી ખેડૂતોના હક-અધિકારો સહિતની માંગણીઓને લઈને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. આ પિટિશન હવે અંતિમ તબક્કામાં હોવાનું જણાવવામાં આવતા ખેડૂતોના વકીલ આનંદભાઈ યાજ્ઞિક ખેડૂતોને બ મળવા અને આગામી કાયદાકીય રણનીતિ અંગે ચર્ચા કરવા વસ્તી ગામે પહોંચ્યા હતા.
બેઠક દરમિયાન વકીલ આનંદભાઈ યાજ્ઞિકે ખેડૂતોને હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી હતી. ખેડૂતોની મુખ્ય માંગણીઓને આધારે ચાલી રહેલી કાયદાકીય લડત અંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે પિટિશન અંતિમ તબક્કામાં છે અને દિવાળી સુધીમાં નિર્ણય આવવાની શક્યતા છે.
તેમણે ખેડૂતોને પોતાના હક અને ન્યાય માટે એકજૂથ રહીને લડત ચાલુ રાખવા અપીલ કરી હતી. જમીનના બદલામાં જમીન અને યોગ્ય વળતર ખેડૂતોની મુખ્ય માંગણીઓ હોવાનું જણાવતાં આ મુદ્દે ખેડૂતોના હિતમાં કાયદાકીય લડત સતત ચાલુ રાખવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
બેઠકમાં માત્ર દિલ્હી-મુંબઈ કોરિડોર પૂરતું જ નહીં પરંતુ અન્ય વિવિધ પરિયોજનાઓથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને તેમના હક-અધિકારો અને યોગ્ય વળતર મળે તે માટે જરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી વકીલ આનંદભાઈ યાજ્ઞિક દ્વારા આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન ખેડૂતોને આગામી દિવસની કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. ૧૬ અધિકારીઓની સમિતિની હાજરીમાં ત્રણ ગામોમાં યોજાનારી ગ્રામસભામાં વકીલ આનંદભાઈ યાજ્ઞિક પણ ઉપસ્થિત રહેશે અને અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતો બ સાંભળશે. ખેડૂતોના પ્રશ્નો અને રજૂઆતોને કાયદાકીય રીતે આગળ લઈ જવા અંગે પણ આ ગ્રામસભાઓ મહત્વપૂર્ણ બની રહેવાની શક્યતા છે.
બેઠકમાં વકીલ આનંદભાઈ યાજ્ઞિકનું ખેડૂતો દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ લાંબા સમયથી અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો અને હક-અધિકારોને લઈને સતત લડત ચલાવી રહેલા ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગીનું પણ ખેડૂતો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરી તેમની લડત બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વસ્તી ગામે યોજાયેલી આ બેઠકમાં દિલ્હી-મુંબઈ કોરિડોરથી અસરગ્રસ્ત ૧૪ ગામોના ખેડૂતો દ્વારા જમીનના બદલામાં જમીન, યોગ્ય વળતર અને આદિવાસી ખેડૂતોના હક-અધિકારોના મુદ્દે આગામી કાયદાકીય લડતની દિશા અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટની પિટિશનના નિર્ણય અને આગામી ગ્રામસભાઓમાં ખેડૂતોની રજૂઆતો પર અસરગ્રસ્ત ખેડૂતોની નજર રહેશે.