
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા નજીક નારૂકોટ રોડ પર ભારે વરસાદ અને પવનને કારણે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનાને પગલે રાત્રિના સમયે રસ્તો બંધ થઈ ગયો હતો, પરંતુ જાંબુઘોડાના પી.એસ.આઈ. પી.આર. ચુડાસમાએ સ્ટાફ સાથે તાત્કાલિક કાર્યવાહી કરીને રસ્તો ફરીથી શરૂ કરાવ્યો હતો.
લાંબા વિરામ બાદ પંચમહાલ જિલ્લામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાવાઝોડા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નારૂકોટ ગામ પાસે વિજ્ઞાન કોલેજ સામે આ વૃક્ષ રોડ પર પડ્યું હતું.
રાત્રિના સમયે હાલોલ ડી.વાય.એસ.પી. વી.જે. રાઠોડ નાઈટ પેટ્રોલિંગમાં હતા. તેમને આ ઘટનાની જાણ થતાં, કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તેમણે તાત્કાલિક જાંબુઘોડા પી.એસ.આઈ. પી.આર. ચુડાસમાને ટેલિફોનિક જાણ કરી હતી.
પી.એસ.આઈ. ચુડાસમા તુરંત જ પોતાના સ્ટાફ સાથે નારૂકોટ પહોંચ્યા હતા. ચાલુ વરસાદે તેમણે જાતે જ રોડ પર પડેલા વૃક્ષની ડાળીઓ કાપીને હટાવી હતી. આ ઝડપી કામગીરીના કારણે વાહનવ્યવહાર તાત્કાલિક પૂર્વવત થઈ શક્યો હતો. તેમની આ પ્રશંસનીય કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.