
પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, ગોધરા LCBએ ગુજસીટોક, રાયોટિંગ અને પશુ અત્યાચાર સહિતના ગંભીર ગુનાઓમાં ફરાર બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી બે અલગ-અલગ ઓપરેશનમાં હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ ઓપરેશનમાં, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક અને રાયોટિંગના ગુનાઓમાં વોન્ટેડ સુફીયાન ઉર્ફે આંતડીયો મહેબુબખાન પઠાણ ઉર્ફે એસ.કે.ને ઝડપી પાડવામાં આવ્યો હતો. LCBને મળેલી બાતમીના આધારે, ટીમે ગોધરા રેલવે સ્ટેશન બહાર ખાનગી વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

બીજી કાર્યવાહીમાં, મારામારી, પશુ અત્યાચાર અને રાયોટિંગ સહિતના ત્રણ ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર ઓવેશ ઉર્ફે જુનેદ મહોમદ હનીફ દુર્ગાને ઝડપી પાડવામાં આવ્યો. LCBના એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ જયરામસિંહ સહિતની ટીમે બાતમીના આધારે સીમલા ગરનાળા તરફ જવાના રોડ પર વોચ ગોઠવી તેને પકડી પાડ્યો હતો.
ઝડપાયેલા બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પંચમહાલ LCBની આ સફળ કામગીરીથી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને વધુ સફળતા મળી છે.