છોટાઉદેપુર જિલ્લામાં રેતી સ્ટોકધારકોની ગણતરી ઉંધી : ચોમાસામાં રેતી ઉપાડવા પર પ્રતિબંધ નહિ મુકાતા રેતીનો સ્ટોક અટવાયો

છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાંથી રેતીનો વ્યવસાય કરતા સ્ટોકધારકોની હાલ માઠી દશા જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ મુકાતો હોવાથી અગાઉથી મોટા પ્રમાણમાં રેતીનો સ્ટોક કરી રાખનારા વેપારીઓને ઉંચા ભાવે રેતી વેચવાનો મોકો મળતો હતો. આ વર્ષે ચોમાસા દરમિયાન નદીમાંથી રેતી ઉ૫ાડવા પર પ્રતિબંધ ન મુકાતા સ્ટોકધારકોની ગણતરી ઉંધી પડી છે.

બોડેલી, સંખેડા, પાવીજેતપુર અને છોટાઉદેપુર તાલુકામાં ઓરસંગ નદીના કાંઠા તેમજ નસવાડી-બોડેલી રોડ અને સંખેડા-પાવીજેતપુર-છોટાઉદેપુર સ્ટેટ હાઈવેની આસપાસ ૨૦૦થી વધુ રેતીના સ્ટોક આવેલા છે. વેપારીઓએ અગાઉથી નફાની આશાએ રેતીના મોટા મોટા ઢગલા કરી નાંખ્યા હતા. જે કેટલાક સ્થળોએ ડુંગરો જેવા દેખાઈ રહ્યા છે. સ્ટોકધારકો રેતી ઉંચા ભાવે વેચતા હોય છે. આ વર્ષે નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ ન હોવાથી ટ્રકો સતત નદીમાંથી રેતી ભરી રહ્યા છે. હાલ નદીમાંથી રેતીનો ભાવ અંદાજે ‚.૪૫૦ પ્રતિ ટન છે. જયારે સ્ટોકધારકો દ્વારા ‚.૬૦૦ થી ૭૦૦ પ્રતિ ટન સુધીના ભાવ લેતા હોય છે. હાલ પણ નદીમાંથી રેતી ઉપાડવાનુ કામ ચાલુ રહેતા સ્ટોકમાં રહેલી રેતીની માંગ ધટી છે. સ્ટોકમાંથી રેતીનુ વેચાણ અપેક્ષા મુજબ નહિ થતાં આ વર્ષે અંદાજે ‚.૨૦૦ કરોડથી વધુની રેતીનો જથ્થો સ્ટોકમાં પડી રહેવાની શકયતા વ્યકત કરી છે.