છોટાઉદેપુર ઝોઝ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા હોસ્ટેલ, ભોજન, ડ્રેસ, સ્કુલ શુઝ સહિતની વિવિધ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આક્ષેપ મુજબ હોસ્ટેલના સામાનની ખરીદીમાં રૂ.૮૦ હજાર જેટલા સામન સામે સરકારી ચોપડે રૂ.૧.૫૪ લાખનુ ચુકવણુ દર્શાવ્યુ હોવાનો મુદ્દો સામે આવ્યો છે. એક શિક્ષિકા દ્વારા આ ચુકવી અંગે વાંઘો ઉઠાવ્યા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. તે બાદ સંબંધિત રકમ પરત કરાવી હોવાનુ જાણવા મળ્યુ છે.
વિદ્યાર્થીનીઓને સ્કુલ ડ્રેસ, સ્કુલ શુઝ તથા અન્ય જરૂરી સામગ્રી બે મહિનાથી આપવામાં આવી નથી. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. જેમાં જિલ્લા પંચાયતના એકાઉન્ટન્ટ વિભાગના અધિકારી, શિક્ષણ વિભાગના એક અધિકારી અને જિલ્લા પંચાયતના અન્ય અધિકારીનો સમાવેશ કર્યો છે. સમિતિ દ્વારા સમગ્ર ખરીદી બિલો, ચુકવણી અને વિદ્યાર્થીનીઓને આપેલી સુવિધાઓ અંગે તપાસ કરી તેનો સીધો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારીને સોંપશે. આક્ષેપ કરનાર શિક્ષિકા સહિત સંબંધિત શિક્ષકોને પણ તમામ સમિતિ સમક્ષ હાજર રહેવા સુચના આપી છે. તપાસમાં જો ગેરરિતી સાબિત થશે તો જવાબદારો સામે કાર્યવાહી થવાની શકયતા છે. જિલ્લા શિક્ષણ અધિકારી સામે તપાસ માટે ત્રણ અધિકારીઓની સમિતિ રચાઈ છે.