સંતરામપુર કોર્ટ દ્વારા ₹૨૦ લાખના ચેક રિટર્ન કેસમાં એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી ભાવેશ સૂર્યકાન્ત મહેતાને તકસીરવાન ઠેરવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને ₹૨૦ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરતા સમગ્ર સંતરામપુર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સંતરામપુરના રહીશ રોહીતકુમાર શાંતિલાલ દરજીને સંતરામપુરના રહીશભાવેશ સૂર્યકાન્ત મહેતા સાથે સારા સંબંધો હતા. આરોપી ભાવેશ મહેતાને ધંધા અર્થે નાણાંની જરૂરિયાત ઊભી થતા તેમણે ફરિયાદી રોહિતભાઈ દરજી પાસેથી ₹૨૦ લાખ હાથ ઉછીના લીધા હતા.
આ નાણાંની પરત ચુકવણી માટે આરોપી ભાવેશ મહેતાએ ખાનગી નોટરી રૂબરૂ લખાણ કરી આપી ₹૨૦ લાખનો ચેક આપ્યો હતો અને છ માસમાં નાણાં ચૂકવી આપવાનો વિશ્વાસ અને ખાતરી આપી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં નાણાં પરત ન મળતા ફરિયાદી રોહીત દરજીએ આ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવ્યો હતો, જે અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો
ચેક રિટર્ન થતા ફરિયાદી રોહીતદરજીએ કાયદાની જોગવાઈ મુજબની તમામ કાર્યવાહી પૂર્ણ કરી આરોપી ભાવેશ સૂર્યકાન્ત મહેતા વિરુદ્ધ સંતરામપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસ સંતરામપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી જે. એમ. મેમણ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલની ધારદાર દલીલો, રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ અને બંને પક્ષકારોની હકીકતોને ધ્યાને લઈ કોર્ટે આરોપી ભાવેશ સૂર્યકાન્ત મહેતાને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને ફરિયાદીને ₹૨૦ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાને પગલે સંતરામપુર નગરમાં સન્નાટો છવાઈ ગયો છે.