નસવાડીથી કવાંટ સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીથી કવાંટ સુધીના મુખ્ય માર્ગની અત્યંત બિસ્માર હાલતને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

નસવાડીથી કવાંટ સુધીના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવા છતાં સ્ટેટ આર એન્ડ બી વિભાગ દ્વારા કાયમી ઉકેલ લાવવાને બદલે વારંવાર ખાડા પુરવાની કામગીરી કરે છે. ખાડા પુરવાના નામે લાખો ‚પિયાનો ખર્ચ કરાતો હોવા છતાં રસ્તાની સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી. રાજયના મુખ્યમંત્રી દ્વારા વારંવાર માર્ગો પરના ખાડા તાત્કાલિક પુરવા અને રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે કડક સુચનાઓ આપે છે. તેમ છતાં છોટાઉદેપુર સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ પર આ સુચનાઓની કોઈ અસર થતી નથી હોય તેવુ લાગી રહ્યુ છે. રસ્તાની હાલત જોતા અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. છોટાઉદેપુરથી નસવાડી થઈ કવાંટ અને આગળ વડોદરા તેમજ મધ્યપ્રદેશને જોડતો માર્ગ છે. આ રસ્તા પર રોજના હજારો મુસાફરો અવર જવર કરે છે. તેમ છતાં રસ્તા પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહનો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગની હાલત સુધારવાની માંગ કરવામાં આી રહી છે. પરંતુ આજદિન સુધી નવા રસ્તાના નિર્માણ માટે કોઈ નકકર કામગીરી જોવા મળતી નથી.